લેબનોનમાં 1600 સ્થળે ઇઝરાયલના હુમલા: ચોમેર વિનાશ 492 લોકોનાં મોત

Wednesday 25th September 2024 02:11 EDT
 
 

બૈરુતઃ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ લેબનોનમાં હિઝબુલ્લાહનાં 1600 ટાર્ગેટને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલા અંગે ઇઝરાયેલે 10 હજાર રોકેટને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. તે જ સમયે લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોનાં મોત થયાં છે, જેમાં 58 મહિલા અને 35 બાળકો છે. આ હુમલામાં 1,645 લોકો ઘાયલ થયા છે.
2006માં ઇઝરાયલ-લેબનોન યુદ્ધ બાદ લેબનોન પર આ સૌથી મોટો હુમલો છે. લેબનોનમાં બુધવારે 25 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. ઇઝરાયલે લેબેનાનમાં હાથ ધરાયેલા ઓપરેશનને "નોર્થન એરોઝ" નામ આપ્યું છે.
નેતન્યાહૂએ લેબનીઝને આપ્યો સંદેશ
નેતન્યાહૂએ સોશિયલ મીડિયા દ્વારા લેબનોનના સામાન્ય નાગરિકોને જણાવ્યું કે, અમારી લડાઈ તમારી સામે નથી, હિઝબુલ્લાહ સામે છે. હિઝબુલ્લા તમારો ઢાલની જેમ ઉપયોગ કરે છે. તે તમારા લીવિંગ રૂમમાં રોકેટ સંતાડે છે અને ગેરેજમાં મિસાઇલ્સ, જેના નિશાન પર સીધાં અમારા શહેરો અને સામાન્ય નાગરિકો છે. હિઝબુલ્લાહના આ હુમલાથી અમારા નાગરિકોને બચાવવા અમારે હથિયાર ઉપાડવા પડ્યાં છે. હુમલા પહેલાં જ આઇડીએફ દ્વારા આ વિસ્તારના મકાનોથી સામાન્ય નાગરિકોને હટી જવા કહેવાયું હતું. હું વિનંતી કરું છું કે ચેતવણીને ગંભીરતાથી લો. હિઝબુલ્લાહ દ્વારા તમારા અને તમારા પરિજનોના જીવને જોખમમાં ન મૂકવા દો. હિઝબુલ્લાહ લેબનોન માટે ખતરારૂપ છે.


comments powered by Disqus