વન નેશન, વન ઇલેક્શનને મોદી કેબિનેટમાં લીલીઝંડી

Wednesday 25th September 2024 02:12 EDT
 
 

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવા મોદી સરકાર આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન, વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કોવિંદ રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરાશે.
ચૂંટણી કેલેન્ડર બદલાશે
કોવિંદ કમિટીના રિપોર્ટ પ્રમાણે કેટલાંય રાજ્યોની ચૂંટણીનાં કેલેન્ડર બદલાશે. જે પ્રમાણે ગુજરાત સહિત 6 રાજ્યોનો કાર્યકાળ 13થી 17 મહિના ઘટશે. જેથી ગુજરાતમાં 1 વર્ષ પહેલાં ચૂંટણી આવી શકે.
વારંવાર ચૂંટણી દેશની પ્રગતિમાં અવરોધ
15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસે આપેલા ભાષણમાં વડાપ્રધાને વન નેશન-વન ઈલેક્શનની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વારંવાર ચૂંટણી દેશની પ્રગતિમાં અવરોધ કરે છે. વન નેશન-વન ઇલેક્શન પર વિચારણા કરવા રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળ 2 સપ્ટેમ્બર 2023એ રચાયેલી સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 18,626 પેજનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં 2029માં એકસાથે ચૂંટણીનું લક્ષ્ય નક્કી કરાયું છે. એના આધારે વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મોડલ અપાયું છે.
એકસાથે ચૂંટણીથી શું ફાયદો?
વન ઇલેક્શનથી એકસાથે ચૂંટણીથી થતા કરોડો રૂપિયાના ખર્ચમાં બચત થશે અને સતત થતી ચૂંટણીથી છુટકારો મળશે. ઉપરાંત માત્ર ચૂંટણી પર નહીં, દેશના વિકાસ પર ફોકસ વધશે અને સતત આચારસંહિતાથી છુટકારાની સાથે કાળાં નાણાં પર પ્રતિબંધ લાગશે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો. પ્રતિક્રિયા આપનારા 47 પક્ષ પૈકી 32 પક્ષે એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું.


comments powered by Disqus