શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં દુર્લભ બીમારીથી પીડાતી બાળકીને સર્જરી દ્વારા બચાવાઈ

Wednesday 25th September 2024 02:12 EDT
 
 

આણંદઃ ભાનુભાઈ અને મધુબહેન પટેલ કાર્ડિયાક સેન્ટર (BMPCC) શ્રી ક્રિષ્ના હોસ્પિટલે ભાઈકાકા યુનિવર્સિટી કરમસદ ખાતે ગોધરાની ચાર વર્ષની બાળકીને એક જ ઓપરેશનમાં બે દુર્લભ જન્મજાત વિસંગતતાની સફળતાપૂર્વક સારવાર કરી નોંધપાત્ર તબીબી સીમાચિન્હ પ્રાપ્ત કર્યું છે.
આ નાની દીકરીને દૂધ પીવામાં પણ તકલીફ હોવાથી પ્રથમ અમદાવાદમાં સારવાર અપાઈ, પરંતુ કોઈ રાહત ન મળતાં તેને અહીં લવાઈ હતી. શ્રી ક્રિષ્ના હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડો. મહેશ ભટ્ટે બાળકીની વ્યાપક તપાસ કરી, જેમાં બાળકીને ડાબી તરફ પેટેન્ટ ડક્ટસ આર્ટેરિઅસસ (PDA) અને જમણી તરફ જન્મજાત ડાયાફ્રેમેટિક હર્નિયા (CDH) હોવાનું નિદાન થયું હતું.
ડો. વિશાલ ભેંડેએ નોંધ્યું કે, લગભગ ચાર કલાકની સર્જરીમાં BMPCC મેડિકલ ટીમે પહેલા છાતીની ડાબી બાજુએ PDAનું અને પછી CDH માટે છાતીની જમણી બાજુનું ઓપરેશન કર્યું. ઓપરેશન દરમિયાન તેઓએ એક દુર્લભ સ્થિતિ શોધી કાઢી હતી, સામાન્ય રીતે પેટના જમણા ભાગના આંતરડાના ભાગો છાતીના પોલાણમાં હર્નિએટ થયા હતા. જેને કુશળ રીતે સ્થાનાંતરિત કર્યાં હતાં. સારણ ગાંઠનું ઓપરેશન કરતાં જાળીનો ઉપયોગ કર્યો હતો. આ સફળ ઓપરેશન ડો. ગુરપ્રિત પાનેસર, કાર્ડિયાક એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. હર્યાક્ષ પાઠક અને ત્રીજા વર્ષના નિવાસી ડોક્ટર્સના અમૂલ્ય યોગદાનથી થયું હતું. BMPCC સર્જિકલ અને એનેસ્થેટિક ટીમના યોગદાનથી આ સર્જરી કરવામાં આવી હતી.


comments powered by Disqus