વડોદરાઃ જ્ઞાનનો ભંડાર ભારતમાં જ્ઞાન પર માત્ર શિક્ષિતોનો જ ઇજારો નથી. નિરક્ષર અને થોડું ભણેલા લોકો પાસે પણ એવું જ્ઞાન હોય છે, જે વૈજ્ઞાનિકો પાસે પણ નથી હોતું. આ જ્ઞાન પેઢી દર પેઢી વારસામાં મળતું હોય છે. આવો જ એક કિસ્સો છે પંચમહાલના ભેંસાલ ગામના સોમાભાઈ ધુળાભાઈ પરમારનો.
માત્ર ધો. 4 સુધી ભણેલા 73 વર્ષના સોમાભાઈને ભારત સરકારે ‘પશુ ચિકિત્સા’ ક્ષેત્રમાં પેટન્ટ આપી છે. આ અંગે સોમાભાઈએ કહ્યું હતું કે, ‘હું તો ધોરણ 4 સુધી ભણેલો છું. બે પુત્રો અને એક પુત્રી મળીને 7 સભ્યનો પરિવાર છે. મારા દાદા લક્ષ્મીદાસ ભગવાનદાસ 100 વર્ષ પહેલાં ખેતરના શેઢે ઊગતી વનસ્પતિમાંથી દવા બનાવીને તેનાથી પશુઓની સારવાર કરતા હતા. પછી મારા પિતા ધુળાભાઈ પણ આ કામ કરતા હતા. હું પણ છેલ્લાં 40 વર્ષથી દેશી દવા બનાવીને પશુઓની વિનામૂલ્યે સારવાર કરું છું.’
સોમાભાઈએ કહ્યું કે, ‘બીલીપત્રના વૃક્ષનાં પાંદડાં, છાલ અને ફળ, ઝેઝી નામની વનસ્પતિનાં પાંદડાં, રગતરોડનાં પાંદડા, ત્રણ પાંખીનો વેલો, કોઠંબાનાં પાંદડાં, દેશી ઘી અને પાણીનું મિશ્રણ કરીને દેશી દવા બનાવું છે. આ દવા એવી છે કે પશુઓને મોટાભાગની બીમારીથી રાહત આપે છે.’ સોમાભાઈ પશુઓની સારવારનું કામ સેવા ગણતા હોવાથી વિનામૂલ્યે કરે છે. પશુઓને કયા પ્રકારની તકલીફ છે તેનું નિરીક્ષણ કર્યા બાદ અલગ-અલગ વનસ્પતિનો ઉપયોગ કરીને દવા બનાવીને સારવાર કરે છે.
પશુઓ દ્વારા લોખંડની ચીજવસ્તુઓ ખાવી, પશુને આફરો ચઢવો, પશુને જાનવર કરડી જાય અથવા પાઠાની તકલીફ થાય, કમળો થાય, પેટમાં દુખાવો જેવી અનેક તકલીફની દવા સોમાભાઈ પાસે છે. દવા બનાવી જ્યાં પણ જવાનું થાય ત્યાં જઈને પશુઓની સારવાર કરે છે.