બ્રિટનના વડાપ્રધાનપદે ભારતીય મૂળના રિશી સુનાકનું બેસવું બ્રિટિશ ભારતીય સમુદાય માટે નાની સૂની સિદ્ધી નહોતી. આ યુકેની રાજનીતિમાં બ્રિટિશ ભારતીય સમુદાયના વધતા પ્રભુત્વની નિશાની હતી. હવે 4 જુલાઇના રોજ ફરી એકવાર યુકેમાં સંસદની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે 1.8 મિલિયન જેટલી વસતી ધરાવતા બ્રિટિશ ભારતીય સમુદાયના રાજકીય વલણ પર પરિણામોનો મોટો આધાર રહેશે. આ ચૂંટણીમાં બ્રિટિશ ભારતીય સમુદાયનો અવાજ વધુ નક્કર અને બુલંદ બને તે માટે સક્રિય ભાગીદારી અતિ આવશ્યક બની ગઇ છે. બ્રિટિશ ભારતીય સમુદાય લોકતાંત્રિક પ્રક્રિયામાં સામેલ થઇ, મૂલ્યોને પ્રતિબિંબિત કરી સમુદાય માટે હિતકારી સરકારની રચનામાં મોટો ભાગ ભજવી શકે છે. આ સક્રિય ભાગીદારી બ્રિટિશ ઇન્ડિયન ડાયસ્પોરાની ચિંતાઓ, હિતોની સારી રીતે સંભાળ લે તેવા નેતાઓને સંસદમાં મોકલી આપવામાં મોટું યોગદાન આપી શકે છે. ચૂંટણીમાં મતદાન ભારતીય સમુદાયના હિતોમાં વાસ્તવિક પરિવર્તન લાવવાની મહત્વપૂર્ણ તક છે. લોકતાંત્રિક પ્રક્રિયાનો હિસ્સો બનવું એ આપણો વિશેષાધિકાર છે. મતદાનથી બ્રિટિશ ભારતીય સમુદાયનો અવાજ પણ બુલંદ બની શકશે. તેના દ્વારા બ્રિટિશ ભારતીય સમુદાયની લોકતંત્ર માટેની માત્ર પ્રતિબદ્ધતા જ પૂરવાર થતી નથી પરંતુ બ્રિટિશ રાજનીતિમાં સામુહિક પ્રભાવ ઊભો થશે અને પ્રભાવનો પાયો પણ નખાશે. બેલેટ બોક્સમાં ભાગીદારી ચૂંટાનારી સરકારને સ્પષ્ટ સંદેશ પણ મોકલે છે કે બ્રિટિશ ભારતીય સમુદાયને અવગણી શકાશે નહીં. બ્રિટનના નિર્માણમાં સમુદાયની સક્રિયતા નિર્ણાયક બની શકે છે. બ્રિટિશ ભારતીયો મહત્વના મતવિસ્તારોમાં પરિણામોને પ્રભાવિત કરી શકે છે. બ્રિટિશ ભારતીયોએ તેમને સંલગ્ન મહત્વના મુદ્દાઓ અને હિતો માટે આ ચૂંટણીમાં મતદાન કરીને લોકતાંત્રિક ધર્મ નિભાવવો જ રહ્યો.