ભારતની શિક્ષણ વ્યવસ્થા અંધાધૂંધીભર્યા તબક્કામાંથી પસાર થઇ રહી છે. દેશમાં મેડિકલ, એન્જિનિયરિંગ સહિતની પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વિશ્વસનિયતા પર ગંભીર સવાલો સર્જાયાં છે. મેડિકલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં પેપર લીક, પસંદગીના વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ જેવા વિવાદો મધ્યે યુજીસી-નેટ પરીક્ષા રદ થઇ જેના કારણે હાલ લાખો વિદ્યાર્થીઓના ભાવિ ડામાડોળ બન્યાં છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની નિષ્ફળતાએ એજ્યુકેશન ગવર્નન્સના કેન્દ્રીયકરણમાં રહેલી ગંભીર ખામીઓને પણ ઉજાગર કરી દીધી છે. જેના કારણે ઉજ્જવળ કારકિર્દીના સ્વપ્ન સેવી રહેલાં લાખો વિદ્યાર્થીઓ હતાશાની ઊંડી ખીણમાં ગરકાવ થઇ ગયાં છે. વર્તમાન સમયમાં નીટ અને જેઇઇ જેવી પરીક્ષાઓમાં જોવા મળેલી ગેરરિતીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક પરીક્ષાઓના આયોજન માટેની નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ક્ષમતાઓ પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે. ભારત વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ દેશ છે. લાખો વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની પરીક્ષા કેન્દ્રવર્તી બનાવી દેવાનો પ્રયાસ જ ભૂલભરેલો છે. રાષ્ટ્રીય સ્તરે સત્તાનું કેન્દ્રીકરણ કરી આખા દેશના રાજ્યોમાં પરીક્ષાઓના આયોજન સામેના પડકારો વિકરાળ બની ગયાં છે. દેશનો વિશાળ ભૌગોલિક ફેલાવો, સામાજિક-આર્થિક અસમાનતાઓ અને પ્રાદેશિક શૈક્ષણિક તફાવત પ્રચંડ પડકારો ઉભાં કરે છે જેને નેશનલ ટેસ્ટિંગએજન્સી જેવી કેન્દ્રીય સંસ્થાને પહોંચી વળવામાં સંઘર્ષ કરવો પડે છે. પરીક્ષા વખતે સર્જાતી ટેકનીકલ ખામીઓ, પેપર લીક અને ગેરરિતીના આક્ષેપોએ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાને કલંકિત કરી એજન્સી પરનો વિશ્વાસ પણ નાબૂદ કરી દીધો છે. એજન્સીની મૂલ્યાંકન કરવાની ક્ષમતાઓ પર પણ પ્રશ્નાર્થ સર્જાયાં છે. શું મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોની પ્રવેશ પરીક્ષાનું કેન્દ્રીયકરણ કરવાનો પ્રયાસ નિષ્ફળ જઇ રહ્યો છે? એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રાજ્ય સ્તરે પ્રવેશ પરીક્ષાઓનું આયોજન સ્થાનિક શૈક્ષણિક સંદર્ભમાં વધુ વ્યવહારુ પૂરવાર થઇ શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એક નવતર પ્રયોગ હતો પરંતુ શિક્ષણની પવિત્રતાની જાળવણી માટેની પ્રતિબદ્ધતાના અભાવે આ પ્રયોગને હાંસીપાત્ર અને વિવાદાસ્પદ બનાવી દીધો છે. તાજેતરમાં થયેલી પ્રવેશપરીક્ષાઓમાં વ્યાપ્ત ગેરરિતીએ સમગ્ર વ્યવસ્થાતંત્ર પર ગંભીર સવાલો તો સર્જ્યા છે. શિક્ષણ માફિયાઓની ચુંગાલમાંથી શિક્ષણ વ્યવસ્થા મુક્ત નહીં થાય ત્યાં સુધી શિક્ષણ જગત બદતર બની રહેશે.