લંડનઃ શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરમાં શનિવાર 22 જૂનના રોજ ઝરમર વરસાદ મધ્યે ઉનાળાની ઉષ્માસભર સવારે સત્સંગ અને પૂજામાં હાજરી આપવા આવેલા શ્રદ્ધાળુઓને અચાનક કહેવામાં આવ્યું કે એક અત્યંત મહત્વની વ્યક્તિ મુલાકાતે આવી રહી છે. તે સમયે 400 જેટલા ભક્તો પૈકીના કેટલાંક ભજન ગાઇ રહ્યાં હતાં તો કેટલાંક મહાપ્રસાદ તૈયાર કરવામાં રસોડામાં મદદ કરી રહ્યાં હતાં. બપોર બાદની વીઆઇપી મુલાકાત માટે કેટલાંક ભક્ત ઓરડા તૈયાર કરી રહ્યાં હતાં. સ્વયંસેવકો મંદિર બહાર ઊભા રહીને મુલાકાતીઓને માર્ગદર્શન અને તેમના સવાલોના જવાબ આપી રહ્યાં હતાં.
વડાપ્રધાન રિશી સુનાક સાથી સાંસદ બોબ બ્લેકમેન સાથે હાથ જોડીને મંદિરમાં પ્રવેશ્યા હતા અને એસજીવીપીના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રસાદજીના ચરણસ્પર્શ કર્યાં ત્યારે ત્યાં હાજર 200 કરતાં વધુ ભક્તોએ તેમના તાળી પાડીને વધાવી લીધાં હતાં. વડાપ્રધાન તેમનું અભિવાદન કરીને મંદિરના વડા સુરેશભાઇ રાબડિયા અને અન્ય સમિતિ સભ્યોની આગેવાનીમાં આરતી કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાનનું પુષ્પહાર અને સંખ્યાબંધ ભેટો અને મેમેન્ટોસ આપીને સ્વાગત કરાયું હતું. સ્વામી શ્રી માધવપ્રસાદજીએ વડાપ્રધાનને આવકારતાં જણાવ્યું હતું કે, આ ભક્તો દ્વારા નિર્માણ કરાયેલું ભક્તોનું ઘર છે.
ભક્તગણને સંબોધન કરતાં વડાપ્રધાન રિશી સુનાકે સાંસદ બોબ બ્લેકમેનની બ્રિટિશ હિન્દુઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને પારિવારિક મૂલ્યો અને તેના પાલનમાં શરમ નહીં અનુભવવાના મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું. રિશી સુનાકે ધર્મસભામાં પોતાના ઉષ્માભર્યા સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે આજે મને ભગવાન અને સંતોના આશીર્વાદ મળ્યા છે. આપ સહુનો સ્નેહ મળ્યો. મારો ઉછેર પણ મંદિરના ધર્મમય વાતાવરણમાં થયો છે. મને લાગે છે કે આપણને સહુને ભગવાન જોઈ રહ્યા છે. સુનાકે તેમના સંબોધનમાં દેશ - સમાજ અને વિશ્વ માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, નીતિઓ કરતાં પણ મૂલ્યો વધુ મહત્વના છે. મારા અને તમારા મૂલ્યો અમારી પાર્ટીના મૂલ્યો છે અને તેનો પ્રારંભ પરિવારની સાથે થાય છે. સમુદાયને સમૃદ્ધ બનાવતા વાતાવરણ માટે તમે અદ્દભૂત કાર્યો કરતાં આવ્યાં છો. આજે તમે જે છો તે તેની જ દેન છે.
વડાપ્રધાને ઉચ્ચ શિક્ષણ, સેવા અને આકરી મહેનત જેવા અન્ય મૂલ્યો અંગે અને આ મૂલ્યો કન્ઝર્વેટિવ સરકારની નીતિઓ સાથે કેવી રીતે સંકળાયેલા છે તે અંગે વાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે આકરા પરિશ્રમ વિના ફળપ્રાપ્તિ થતી નથી. તમારે એક એવી સરકારની જરૂર છે જે આકરા પરિશ્રમનું વળતર આપે, સમર્થન આપે કારણ કે તેના દ્વારા જ સારા દેશ અને સમાજનું નિર્માણ થઇ શકે. આપણે ઉચ્ચ શિક્ષણની શક્તિને સમજી શકીએ છીએ. તેના કારણે જ મારા જીવનમાં પરિવર્તન આવ્યું. તેના દ્વારા જ તમારા અને તમારા જીવનોમાં પણ પરિવર્તન આવી શકે છે. તેથી આપણા બાળકોને તેમના જીવન નિર્માણ માટે આપણી શાળાઓ સંભવિત તમામ તકો આપે તે જરૂરી છે. અમારી પાર્ટી તમારી મહત્વાકાંક્ષાઓને સમજી શકે છે. અમે આપણી શાળાઓમાં ઉચ્ચ ધોરણો પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને લોકોને શ્રેષ્ઠ શાળાઓ આપવાનો પ્રયાસ કરીશું જેથી તેમને તકો મળે અને અસમાનતા દૂર કરી શકાય. તેથી પરિવાર, આકરો પરિશ્રમ, સેવા અને શિક્ષણનું સામર્થ્ય આપણા અને અમારી પાર્ટીના પણ મૂલ્યો છે.
સુનાકે જણાવ્યું હતું કે આ દેશે મારા માટે જે કર્યું છે તેના માટે હું તેને પ્રેમ કરું છું. તમારા જેવા ઘણા, તમારા પૂર્વજો, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ આ અદ્દભૂત દેશમાં આવ્યા અને જુઓ ફક્ત બે પેઢી પછી હું આ દેશનો વડાપ્રધાન છું. મને નથી લાગતું કે વિશ્વના અન્ય કોઇ દેશમાં આ શક્ય બન્યું હોત.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2015ની મુલાકાતનો ઉલ્લેખ કરતાં સુનાકે જણાવ્યું હતું કે તત્કાલિન વડાપ્રધાન ડેવિડ કેમરને વેમ્બલી સ્ટેડિયમમાં ડાયસ્પોરાના 40,000 લોકોને સંબોધન કરતાં બ્રિટિશ એશિયન વડાપ્રધાનનું વચન આપ્યું હતું ત્યારે હું બેક બેન્ચર સાંસદ હતો. ત્યારબાદ વડાપ્રધાને આગામી ચૂંટણીનો ઉલ્લેખ કરતાં સમર્થન માટે તમામનો આભાર માનતાં જણાવ્યું હતું કે, હું તમારા જીવન સારા બનાવવા માટે, આ દેશમાં તમામ માટે સુખાકારી લાવવા દરરોજ આકરી મહેનત કરતો રહીશ જેથી આપણે આપણા બાળકોનું ઉજ્જવળ ભાવિ સુનિશ્ચિત કરી શકીએ. આ એક મૂલ્યો પર નિર્માણ થયેલો અદ્દભૂત દેશ છે.
આ ઇવેન્ટમાં કાન્તિભાઇ રાદડિયા, નિતેશ હિરાણી, અંજના પટેલ સહિતના સ્થાનિક કાઉન્સિલરો પણ હાજર રહ્યાં હતાં.
સુનાકે ભેટમાં મળેલી હનુમાનની પ્રતિમા ડેસ્ક પર રાખવાનું વચન આપ્યું
વડાપ્રધાનને ભગવાન હનુમાનજીની પ્રતિમા ભેટમાં અપાઇ હતી. વડાપ્રધાને હનુમાન ચાલીસાના પઠન વખતે શક્તિ અને સાહસ માટે પ્રતિમાને પોતાની ડેસ્ક પર રાખવાનું વચન આપ્યું હતું.
વડતાલ ધામના દ્વિશતાબ્દી મહોત્સવ માટે રિશી સુનાકને આમંત્રણ
સ્વામિનારાયણ સંસ્થાના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામના 200 વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે વિશ્વભરમાં વસતાં હરિભક્તોમાં અનેરો આનંદઉલ્લાસ વર્તાય છે. વડતાલ ધામના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી, મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી, ચેરમેન દેવ સ્વામી, એસજીવીપી-છારોડીના વડા માધવપ્રિયદાસજી સ્વામી, સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી વગેરે સંતો દેશવિદેશમાં ફરીને સંપ્રદાયના અનુયાયીઓથી લઇને મહાનુભાવોને રૂબરૂ આમંત્રણ આપી રહ્યા છે. દેશવિદેશના આમંત્રિત મહાનુભાવોમાં વડાપ્રધાન રિશી સુનાકનું નામ પણ ઉમેરાયું છે.
હાલ બ્રિટનમાં વિચરણ કરી રહેલા આ વરિષ્ઠ સંતગણે વડાપ્રધાન રિશી સુનાકને વડતાલ ધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. બ્રિટનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન હોવાનું બહુમાન ધરાવતા રિશી સુનાક સંસદીય ચૂંટણીના અતિશય વ્યસ્ત પ્રચાર કાર્યક્રમ વચ્ચે સોમવારે કેન્ટનના હેરો સ્થિત કચ્છ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે આવ્યા હતા અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે હાજરી આપી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ બોબ બ્લેકમેને વડાપ્રધાન સુનાકને હિન્દુ સમુદાયનું ગૌરવ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘આ વડાપ્રધાન સતત તમારા સહુ માટે કામ કરે છે.’ આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતોએ વડાપ્રધાન સુનાકને હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી. તેનો સહર્ષ સ્વીકાર કરતા વડાપ્રધાન સુનાકે કહ્યું હતું કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ મૂર્તિ મારી સામે રાખીશ.
સુનાક આપણી યુવા પેઢી માટે પ્રેરકઃ સંત સ્વામી
આ પ્રસંગે ધર્મસભાને સંબોધતા ડો. સંત સ્વામીએ કહ્યું હતું કે રિશી સુનાક આજે બ્રિટનમાં વડાપ્રધાન જેવા સર્વોચ્ચ સ્થાને બિરાજતા હોવા છતાં હિન્દુ હોવાનું જાહેરમાં સ્વીકારે છે. રિશી સુનાક ખરા અર્થમાં યુવા પેઢીના પ્રેરક - આઇકન હોવા જોઇએ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિરના પ્રમુખ સુરેશભાઇ, સેક્રેટરી રિકીનભાઇ અને સેવકોએ વ્યવસ્થા ગોઠવી હતી.