છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વના ઘણા દેશોમાંથી ધનકુબેરો ઉચાળા ભરીને અન્ય સેફ હેવન ગણાતા દેશોમાં પલાયન કરી રહ્યાં છે. ચીન, યુકે, ભારત, દક્ષિણ કોરિયા, રશિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, તાઇવાન, નાઇજિરિયા, વિયેટનામ સહિતના અમીરો મોટી સંખ્યામાં યુએઇ, અમેરિકા, સિંગાપોર, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, સ્વિત્ઝર્લેન્ડ, ગ્રીસ, પોર્ટુગલ અને જાપાન જેવા દેશોમાં ઉચાળા ભરી રહ્યાં છે. સવાલ એ છે કે આ ધનકુબેરો પોતાના દેશને છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવા ઉથલપાથલ કેમ કરી રહ્યાં છે? તેના માટેના મુખ્ય કારણોમાં ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થા, સુવિકસિત બેંકિંગ અને વેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમ, ગ્લોબલ સ્ટોક માર્કેટમાં રોકાણ માટેના મજબૂત આધારો, તેમના સંતાનો માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શિક્ષણ વ્યવસ્થા, નિવૃત્તિ માટેના લોકપ્રિય સ્થળો, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી આરોગ્ય સુવિધાઓ અને ઉચ્ચ જીવનધોરણો સામેલ છે. 1950ના દાયકાથી 2000ના દાયકા સુધી યુકેની રાજધાની લંડન સમગ્ર વિશ્વના ધનકુબેરો માટે માઇગ્રેશન કરવાનું હોટસ્પોટ હતું પરંતુ લંડન સહિત યુકેમાંથી અમીરો ઉચાળા ભરવા લાગ્યાં છે. બ્રેક્ઝિટ પછીના 2017થી 2023ના સમયગાળામાં 16,500 અમીર યુકે છોડી ચૂક્યાં છે. 2024માં 9500 મિલિયોનર્સ યુકે છોડી જાય તેવી સંભાવના છે. ધનકુબેરોના યુકે છોડવા પાછળના કારણો મુખ્યત્વે તેમના પર કરવેરાનો બોજો વધારવાની સરકારની નીતિઓ જવાબદાર છે. બ્રિટનના બંને મુખ્ય રાજકીય પક્ષો આ મામલે એકમતના છે તેથી અમીરોને હવે બ્રિટનમાં વસવાટ કરવો પસંદ નથી. ભારતના કરોડોપતિઓ પણ ઉચ્ચ જીવનધોરણ, સુરક્ષિત અને સ્વચ્છ પર્યાવરણ, ઉચ્ચ ગુણવત્તાસભર આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થાઓ માટે પલાયન કરી રહ્યાં છે. ધનકુબેરોની આ પલાયનવૃત્તિ સ્વાર્થસભર કહી શકાય. જે દેશે તેમને અખૂટ સંપત્તિ આપી તેના આર્થિક વિકાસમાં યોગદાન આપવાને બદલે તેઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર છોડી રહ્યાં છે. અગાઉના ધનકુબેરો રાજ્ય અને દેશ માટે વિપત્તિકાળમાં તેમની તિજોરીઓ ખુલ્લી મૂકતાં, જ્યારે 21મી સદીના અમીરો પોતાની સંપત્તિની આળપંપાળ માટે વતન છોડીને અન્યત્ર સ્થાયી થઇ રહ્યાં છે. તેમને ફક્ત પોતાના અને પરિવારના હિતોની જ પરવા છે. એ વાતમાં કોઇ શંકા નથી કે સરકારો રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને જરૂરીયાત મુજબ નીતિઓ અમલમાં મૂકતી હોય છે. તેમાં સાથ આપવાને બદલે અમીરો સેફ હેવન દેશોમાં સ્થળાંતરિત થઇ ત્યાંની સમૃદ્ધિ વધારવામાં યોગદાન આપવા જઇ રહ્યાં છે.