અબુ ધાબીઃ અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરે દુબઈ મરિનાની જે ડબલ્યુ મેરિયોટ હોટેલ ખાતે 20 નવેમ્બરે માશરેકના સહયોગમાં આયોજિત પ્રોજેક્ટ એવોર્ડ્સ 2024માં બે પ્રતિષ્ઠિત નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ્ઝ જીત્યાં છે. હિન્દુ મંદિરને તેની સ્થાપત્ય કૌશલ્ય, સાંસ્કૃતિક મહત્ત્વ અને રચનાત્મક સામાજિક અસરની કદરરૂપે યુએઈમાં શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રોજેક્ટ તેમજ મિડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા (MENA)માં બેસ્ટ કલ્ચરલ પ્રોજેક્ટ માટે એવોર્ડ્ઝથી સન્માનિત કરવામાં આવ્યું છે.
MEED પ્રોજેક્ટ એવોર્ડ્ઝ 2007થી જાહેર કરાય છે અને MENA રીજિયનમાં એન્જિનીઅરીંગ, ઈનોવેશન અને દીર્ઘકાલીનતામાં શ્રેષ્ઠતા માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. આ વર્ષના સમારંભમાં 400થી વધુ પ્રતિનિધિ ઉપસ્થિત હતા તેમજ આ વિસ્તારમાં ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ્સ માટે 40+ નોમિનીઝ હતા. વિવિધ કેટેગરીઝમાં શિક્ષણ અને એનર્જીથી માંડી સાંસ્કૃતિક અને ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થયો હતો જેના થકી, MENAના પ્રોજેક્ટ ફલકની વૈવિધ્ય અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન થયું હતું.
BAPS હિન્દુ મંદિર કમિટીએ તેમના પાર્ટનર્સ કેપિટલ એન્જિનીઅરીંગના પ્રતિનિધિઓ સાથે એવોર્ડ્ઝ સ્વીકારવાના ઈવેન્ટમાં હાજરી આપી હતી. એવોર્ડ વિશે જાણકારી મળવા સાથે ભારતથી બોલતા BAPS હિન્દુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ આ કદરના મહત્ત્વ સંદર્ભે જણાવ્યું હતું કે,‘ આ એવોર્ડ્ઝ BAPS હિન્દુ મંદિરની માત્ર ટેક્નિકલ અને સ્થાપત્ય શ્રેષ્ઠતા માટે જ નહિ, તેના સર્જન માટે પ્રેરણારૂપ એકતા અને સંવાદિતાની ભાવનાને પણ હાઈલાઈટ કરે છે. આ સ્વપ્ન શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની પ્રેમાળ ઉદારતા અને યુએઈ, મિડલ ઈસ્ટ અને સમગ્ર વિશ્વમાં પ્રેમ અને સમાવેશિતાને પ્રોત્સાહન આપવા અથાગ કાર્ય કરનારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનના લીધે વાસ્તવિકતામાં પરિણમ્યું છે. BAPS દ્વારા વિશ્વભરમાં 1600થી વધુ મંદિરનું નિર્માણ કરાયું છે પરંતુ, અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની સુક્ષ્મ જટિલતાઓ અને અનોખી લાક્ષણિકતાઓ આઈકોનિક અને ઐતિહાસિક છે અને અમને કહેતા ગર્વ થાય છે કે તેનું ઘર યુએઈ છે.’
એન્જિનીઅરીંગ અને ડિઝાઈન, ટેક્નોલોજિકલ ઈનોવેશન્સ, પ્રોજેક્ટની અસર અને ટકાઉક્ષમતા જેવી કસોટીઓની એરણ પર મંદિર તેની અદ્ભૂત કારીગીરી, નવતર અભિગમ અને શાંતિને પ્રસરાવવા પ્રતિ સમર્પણ અને નિષ્ઠા બાબતે ખરું ઉતર્યું હતું. આ પ્રોજેક્ટ થકી આ ક્ષેત્રમાં સાંસ્કૃતિક અને કોમ્યુનિટી ઈનિશિયેટિવ્ઝ માટે બેન્ચમાર્ક સ્થાપિત કરાયા છે તેમજ તે સંવાદિતા અને સમાવેશિતાનું પ્રતીક બની રહ્યું છે. MEED પ્રોજેક્ટ એવોર્ડ્ઝ મિડલ ઈસ્ટ અને અન્ય વિસ્તારોમાં ઉજ્જવળ ભાવિને આકાર આપનારા પ્રોજેક્ટ્સને સન્માનિત કરવા સાથે ઈન્ડસ્ટ્રીને પ્રેરણા આપી રહ્યા છે.