ઇસ્લામાબાદઃ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિને લઈને રવિવારે પાકિસ્તાનમાં શરૂ થયેલો વિરોધ હિંસક બન્યો હતો. હિંસામાં મંગળવાર સાંજ સુધી 7 લોકોનાં મોત થયાં, જેમાં 4 પ્રદર્શનકારી અને 3 પોલીસ કર્મીનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમરાનના સમર્થકોએ શ્રીનગર હાઇવે પર સુરક્ષાદળો પર હુમલો કર્યો, જેમાં 3 જવાનને કચડીને મારી નાખવામાં આવ્યા. હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમાં મોટાભાગના જવાનોની હાલત ગંભીર છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇમરાનના સમર્થકો મોટી સંખ્યામાં ઇસ્લામાબાદના ડી ચોક પહોંચ્યા, જ્યાં તેમને રોકવા પોલીસ દ્વારા ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જેના જવાબમાં દેખાવકારોએ પોલીસ અને સેના પર પથ્થરમારો કર્યો હતો. કલાકોના સંઘર્ષ બાદ સેનાએ ડી ચોક ખાલી કરાવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલાં ઇમરાન ખાનનાં પત્ની બુશરા બીબીએ કહ્યું હતું કે, જ્યાં સુધી તેઓ ખાનને નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. ડી ચોક વિસ્તારમાં રાષ્ટ્રપતિ ભવન, પીએમ ઓફિસ, સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટ છે. જેથી પ્રદર્શનકારીઓને રોકવા સેનાએ શિપિંગ કન્ટેનર મૂકીને રાજધાની તરફ જતા હાઇવેને બંધ કર્યો હતો, પરંતુ વિરોધીઓએ લિફ્ટિંગ મશીનો અને કેટલાંક હેવી મશીનોની મદદથી બેરિકેડ્સ તોડી નાખ્યાં હતાં. કેટલાક વિરોધીઓ કન્ટેનર પર ચઢી ગયા હતા.
દેખાવકારોને ગોળી મારવા આદેશ
હિંસાનો સામનો કરવા ઇસ્લામાબાદમાં દેખાવકારોને જોતાં જ ગોળી મારવાનો આદેશ અપાયો છે. પાકિસ્તાની સેનાને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવાનો અધિકાર આપ્યો છે.