ગોંડલઃ ધ્રાંગધ્રાની શ્રીયાંસ પ્રસાદ જૈન આર્ટ્સ – કોમર્સ કોલેજમાં 36 વર્ષ સુધી પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાલીન સેવા આપી નિવૃત્ત થયેલા નિવેદિતાબહેન ત્રિવેદીએ પોતાની રૂ. 3 કરોડની તમામ અર્થોપાર્જિત મિલકત શહેરની વિવિધ શૈક્ષણિક, તબીબી, સામાજિક અને ધાર્મિક સંસ્થાને પ્રસાદરૂપે અર્પણ કરી અનુકરણીય અને સરાહનીય કાર્ય કર્યું છે.
નિવેદિતાબહેને કોલેજમાં બજાવેલી ફરજ દરમિયાન એક આદર્શ શિક્ષક તરીકે પ્રતિભા દાખવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કઠોર, શિસ્તબદ્ધ, ન્યાયપ્રિય અને નિડર પ્રાધ્યાપિકા તરીકે આગવી નામના મેળવી હતી. સૌરાષ્ટ્રભરની કોલેજમાં ઓબ્ઝર્વર તરીકે પરીક્ષાશુદ્ધિ માટેની તેમની જીવના જોખમે કરેલી કાર્યવાહી નોંધનીય બની રહી હતી. તેમણે ધ્રાંગધ્રા નગરપાલિકામાં 1998થી 1999 દરમિયાન પ્રથમ મહિલા પ્રમુખ રહી સફળ સંચાલન સાથે આગવી પ્રતિભા દાખવી હતી.