વડોદરાઃ અમેરિકાના ન્યૂ જર્સીના પેરામાસમાં ગાંધીનગરનો યુવાન ભાડુત વડોદરાનાં મકાનમાલિક વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરી ભાગી ગયો હતો. યુવાન વૃદ્ધાની કાર લઈ ગયો હતો, જ્યારે ડેબિટ કાર્ડથી 4500 ડોલર ઉપાડી લીધા હતા. ન્યૂ જર્સી પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે.
મૂળ વડોદરાના માંજલપુરના વિનોદભાઈ આચાર્ય વર્ષો પહેલાં ન્યૂ જર્સીમાં સ્થાયી થયા હતા અને પરામાસમાં મુકાન લઈ પત્ની અને 2 પુત્ર સાથે રહેતા હતા. જો કે 10 વર્ષ અગાઉ વિનોદભાઈનું અવસાન થતાં 74 વર્ષીય રીટાબહેન આચાર્ય એકલાં રહેતાં હતાં. દરમિયાન અભ્યાસઅર્થે ન્યૂજર્સી આવેલા ગાંધીનગરના 24 વર્ષીય કિશન શેઠનો સંપર્ક ભાડાના રૂમની શોધ કરતાં રીટાબહેન સાથે થયો હતો. ગુજરાતી યુવક હોવાથી રીટાબહેન દોઢ વર્ષ પહેલાં કિશનને એક રૂમ ભાડે આપ્યો હતો.
ગત સોમવારે રીટાબહેન ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. તેમને પેટમાં ચપ્પુના ઘા વાગ્યા હતા અને પુષ્કળ લોહી વહી જતાં તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં કિશને હત્યા કરી હોવાનું જાણ્યું હતું. રીટાબહેનની કાર અને બેન્કનું ડેબિટ કાર્ડ લઈને કિશન ભાગી ગયો હતો. પોલીસે ઘરના સીસીટીવીની તપાસ કરતાં રીટાબહેનની કાર લઈને કિશન ભાગતો નજરે પડ્યો હતો. સાથે જ ડેબિટ કાર્ડથી કિશને રીટાબહેનના ખાતામાંથી 4500 ડોલર પણ ઉપાડી લીધા હતા. પરિણામે પોલીસે કિશન શેઠ પર હત્યા અને લૂંટનો આરોપ મૂકી તેની શોધખોળ શરૂ કરતાં બેરર્ગે કાઉન્ટી પોલીસે હત્યારા કિશન શેઠને ઝડપી પાડ્યો છે.
રીટાબેન આચાર્યનાં ભત્રીજા હર્ષ દવેએ કહ્યું હતું કે, કાકીના ઘરમાં કિશન શેઠે પહેલાં પણ ઘરમાં ચોરી કરી હતી એટલે કાઢી મૂક્યો હતો.