ગાંધીનગરઃ શનિવારે સોમનાથ ખાતે ત્રણ દિવસિય ચિંતન શિબિરનું સમાપન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાપન વેળાએ બ્યુરોક્રેટ્સને સંબોધતાં ગર્ભિત ચીમકી સહ શિખામણ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારી તંત્ર એવી અસરકારક ભૂમિકા નિભાવે કે ખોટું કરે તેના મનમાં તંત્રનો ડર રહે. બાકી મારી સરકાર બોનાફાઇડ ઇન્ટેન્શનલી થયેલી ભૂલ ચલાવી શકે છે, પરંતુ માલાફાઇડ ઇન્ટેન્શનને કોઈ કાળે ચલાવશે નહીં.
ચીફ સેક્રેટરી, રાજ્ય પોલીસ વડા અને 180થી વધુ અધિકારીઓને સંબોધતાં સીએમએ ટેક્નોલોજીના ઉપયોગથી વહીવટ સુધારણા અને યોજનાના અમલમાં ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા એઆઇ ટાસ્કફોર્સ રચના કરવા જાહેરાત કરી હતી. તેમણે સેક્રેટરી, કલેક્ટરો, ડીડીઓને કહ્યું કે, કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી તથા જનફરિયાદ નિવારણ ક્ષેત્રમાં AIનો ઉપયોગ સઘન બનાવવો છે. તેના માટે ઉચ્ચસ્તરીય ટાસ્કફોર્સ રચાશે.