જૂનાગઢઃ અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બ્રહ્મલીન થતા ગાદી માટેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સાધુ-સંતોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે તે અંગેના ગંભીર આક્ષેપ થતાં સનસનાટી મચી ગઈ છે. ભૂતનાથના મહંત મહેશગિરિએ શ્રી પંચ દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કરી ભવનાથના મહંત હરિગિરિ પર આરોપ લગાવ્યો છે. અખાડામાંથી હરિગિરિએ રકમ લઈ ભાજપ પાર્ટી ફંડમાં તથા બે કલેક્ટર, ભવનાથના સાધુ-સંતોને મળી કુલ રૂ. 8 કરોડ આપ્યા છે.
પત્રમાં કથિતપણે હરિગિરિના લખ્યા મુજબ ‘મહંત હરિગિરિ ગુરુ દત્તાત્રેયગિરિ ભવનાથ મંદિરને અખાડામાં સામેલ કરવા માટે હરિગિરિના નામજોગ કલેક્ટર અને મહમંડલેશ્વર ભારતીબાપુ, ઈન્દ્રભારથી, મહાદેવગિરિ, મુક્તાનંદગિરિ સહિતનાએ મળી ભવનાથ મંદિરનો કબજો ભોગવટો મને સોંપવા માટે સહયોગ આપ્યો છે તે માટે મારા પાસે રહેલાં નાણાંમાંથી તમામને આપ્યાં છે. મારો કાયમી હુકમ કલેક્ટર કરી દેશે ત્યારે ભવનાથ મંદિર મારી માલિકીનું થઈ જશે.’
બાપુ કોમામાં હતા ત્યારે અંગૂઠા લીધા
ગિરનારના 5,000 પગથિયે આવેલા અંબાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવના મહંત તનસુખગિરિ બાપુ સોમવારની મોડી રાત્રે બ્રહ્મલીન થયા છે. દરમિયાન તેમની સમાધિ પૂર્વે તેમની ગાદીના વારસને લઈને સંતો-શિષ્યોમાં જબરો વિવાદ વકર્યો છે. આ વિવાદમાં એક તરફ ભવનાથ મંદિરના મહંત હરિગિરિ મહારાજ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, તનસુખગિરિ સાથે રહેતા યોગેશપુરી, કિશોરભાઈ વગેરે છે. તો સામે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરિ બાપુ છે.
બંને પક્ષકારો વચ્ચે ગાદીને લઈ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો વિવાદ વકરતાં સમાધિના કાર્યક્રમમાં પણ 3 વખત ફેરફાર કરવો પડ્યો હતો.