રમેશ તુરી ‘રંગલા’નું 81 વર્ષની વયે નિધન

Wednesday 27th November 2024 05:05 EST
 
 

રાજકોટઃ પાટણના બાલીસણા ગામનું ઘરેણંુ અને નાટ્યક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી રંગભૂમિ અને ભવાઇના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી “રંગલા”નું 81 વર્ષે નિધન થતાં કલાજગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. રમેશ તુરીનું મૂળ નામ રેવાભાઈ નથુભાઈ તુરી હતું. તેમનું વતન અને જન્મસ્થળ પાટણ તાલુકાનું બાલીસણા ગામ છે. જ્યારે તેમની કર્મભૂમિ રાજકોટ રહી છે. રમેશ તુરી જન્મજાત ભવાઈનો વ્યવસાય કરતી તુરી કોમના હતા.
બાપદાદાના આ વારસાને એમણે આજીવન સાચવી રાખ્યો અને અનેકવિધ પાત્રો સાથે રંગલાના પાત્રથી આગવી ઓળખ મેળવી હતી. વર્ષ 1954થી ભવાઈ સાથે જોડાયા બાદ તેમણે કદી પાછું વળીને જોયું નથી. પ્રથમ ગુજરાતી ફિલ્મ શેઠ સગાળશાથી શરૂઆત કર્યા બાદ તેમણે ગુજરાતી, મરાઠી, ભોજપુરી, રાજસ્થાની અને હિન્દીમાં 500 જેટલી ફિલ્મોમાં ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર અને અનેક ચરિત્ર ભૂમિકાઓ ભજવી. ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકારો ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, હિતેનકુમાર, ફિરોઝ ઈરાની, રમેશ મહેતા, અરવિંદ રાઠોડ સાથે સ્ક્રીન શેર કરી. નાટ્ય ક્ષેત્રે આપેલા તેમના યોગદાનની કદરરૂપે રાજ્ય સરકાર દ્વારા તેમને વર્ષ 2012માં ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
બી.એસ.એન.એલ રાજકોટમાં 40 વર્ષ લાંબી નોકરી કરી રમેશ તુરી વર્ષ 2002માં નિવૃત્ત થયા હતા. ઓલ ઇન્ડિયા બી.એસ.એન.એલ કર્મચારી યુનિયનના તેઓ પ્રમુખ પણ રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકરને આદર્શ માનતા રમેશ તુરીને રાજકોટ કોર્પોરેશન દ્વારા વર્ષ 2015માં “ભીમ રત્ન” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus