સુરતઃ આણંદના તારાપુરના રીંઝા ગામમાં સ્વામિનારાયણ મંદિર તથા ગુરુકુળ માટે જમીન ખરીદવા માટે ફરિયાદી પાસે 1 કરોડનું રોકાણ કરાવીને ઠગાઈનો કારસો રચવાના કેસમાં સુરત ક્રાઇમબ્રાન્ચેે આરોપી જે.કે. સ્વામી તથા અમદાવાદના મનસુરખાન ઉર્ફે પાર્થ પઠાણની ધરપકડ કરી છે.
ફરિયાદી હિમાંશુ રાઉલજીએ 26 જુલાઈએ આરોપી સુરેશ શાર્દુલ ભરવાડ, ગુરુ જયકૃષ્ણદાસ ઉર્ફે જે.કે. સ્વામી, નીલકંઠવર્ણી ડેવલપર્સના સંચાલક ભરત પટેલ, અમિત રમેશ પંચાલ, પાર્શ ઉર્ફે મન્સૂર તથા મૌલિક પરમાર વગેરે વિરુદ્ધ સુરત ક્રાઇમબ્રાન્ચમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીને તારાપુરના રીંઝા ગામે સ્વામિનારાયણ મંદિર તથા ગુરુકુળ બનાવવાનું હોઈ ખેડૂતો પાસેથી જુદાજુદા સરવે નંબરની ખરીદવાથી આર્થિક ફાયદો થવાની લાલચ આપી જમીન ખરીદવા જણાવ્યું હતુ. જે મુજબ આરોપી સુરેશે વિવિધ સરવે નંબરની જમીનના બોગસ સાટાખત સોદા ચિઠ્ઠી બતાવી રૂ. 1 કરોડનું ટોકન મેળવી ઠગાઈનો કારસો રચ્યો હતો.