ગાંધીનગરઃ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ત્યારે ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરાઈ છે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ભારતનાં આવાં કુલ 50 સ્થળોની પસંદગી કરાઈ છે. જેમાં ગુજરાતનાં બે સ્થળ ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થઈ છે.
ધોળાવીરાને સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સ ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવાના હેતુસર બે ભાગમાં કામગીરી કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં કલ્ચર વિલેજ, એમ્ફિથિયેટર, ટેન્ટ સિટી, ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતના કામો હાથ ધરાશે. આશરે રૂ. 135 કરોડના ખર્ચે આકાર લેનારા પ્રથમ ફેઝના માસ્ટર પ્લાન મુજબ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સમગ્ર કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને આવરી લેવાશે તથા કમ્યુનિટી હોલ બનાવવામાં આવશે.
ધોળાવીરા પ્રવાસન સ્થળના વિકાસ સાથે માસ્ટર પ્લાનમાં નજીકના ધાર્મિક સ્થાનકો, કુદરતી સ્થળો સહિતના જોવાલાયક સ્થળોને પણ સાંકળી લેવાશે, જેથી પ્રવાસીઓ અહીં વધુમાં વધુ જોવાલાયક સ્થળોની મુલાકાત લઇ શકે.
ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. 19થી 25 નવેમ્બર દરમિયાન “વર્લ્ડ હેરિટેજ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી “ ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી ” થીમ પર થઇ રહી છે. ગુજરાતના કેટલાક મહત્વના હેરિટેજ સ્થળોને યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પ્રાપ્ત થયું છે.