નવી દિલ્હીઃ પબ્લિક હેલ્થના વિષય ઉપર અભ્યાસ માટે હાર્વર્ડ યુનિવર્સિટી સહિત વિશ્વની ટોચની 11 યુનિવર્સિટીએ તેના માટે લાલજાજમ પાથરી હતી, તેવા સુરતના અત્યંત પ્રતિભાશાળી યુવાન તબીબ ડો. મિરાજ શાહને ગુજરાતે ગુમાવવો પડ્યો છે. મિરાજે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યાં પછી વધુ અભ્યાસ માટે પબ્લિક હેલ્થનો વિષય પસંદ કર્યો હતો. આ દિશામાં વિશેષ અધ્યયન માટે લંડનની હાર્વર્ડ યુનિવર્સિટીથી માંડીને ન્યૂયોર્ક, વોશિંગ્ટન સહિત વિશ્વની ટોચની 11 યુનિવર્સિટીએ તેને આવકાર્યો હતો. જો કે ગત સપ્તાહે આ દુનિયાને અકાળે અલવિદા કહી દીધી હતી.
14 નવેમ્બરે ડો. મિરાજે સવારે પરિવાર સાથે ચર્ચાના અંતે જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરવાનું નક્કી કરી દીધું હતું. પ્રવેશ ફી પણ ચૂકવી દીધી હતી. પરિવારમાં માતા શકુંતલા અને પિતા અમિતભાઈ શાહ સાથે બ્રેકફાસ્ટ કરી તે પોતાના રૂમમાં ગયો હતો. દોઢ બે કલાક બાદ મિરાજના માતા જ્યારે તેને જમવા માટે બોલાવવા ગયા ત્યારે તેણે દરવાજો નહીં ખોલતા પરિવારે દરવાજાનું લોક તોડ્યું હતું. આ સમયે આ આશાસ્પદ યુવાન તબીબે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જણાયું હતું.