‘આજે જેલમાં જે રસોઈ બની હોય તે આપો, હું ખાઈશ’: કથાકાર મોરારિબાપુ

Wednesday 27th November 2024 05:06 EST
 
 

રાજકોટઃ હું કોઈને સુધારવા નહીં પરંતુ સૌને સ્વીકારવા આવ્યો છું. આ ઉદ્ગાર મોરારિબાપુના મુખે કેટલીયવાર આવ્યા હશે. તે માત્ર ઉચ્ચાર નથી, મોરારિબાપુનો આચાર પણ છે તેનું વધુ એકવાર પ્રમાણ મળ્યું હતું જ્યારે તેઓ રાજકોટ જિલ્લા જેલમાં ગયા હતા. માનસ સદભાવના કથા સંપન્ન થયા બાદ બાપુએ જેલની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, આજે મારે જેલનું ભોજન જમવું છે. તમે જે કંઈ બનાવ્યું હોય તે મને આપો મારે તે ખાવું છે. ભાવનગરમાં જેલની કથા દરમિયાન જેલની એક કોટડીમાં જ હું રહ્યો હતો અને ત્યાંની રસોઈ જમતો હતો.
રાજકોટમાં સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે
રાજકોટમાં દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. ત્યારે શનિવારે વિરાણી હાઇસ્કૂલથી પોથીયાત્રા શરૂ થઈ તે પહેલાં આર્ષ વિદ્યામંદિરે મહાદેવ, હનુમાન દાદાનાં સાંનિધ્યમાં પોથીપૂજા રખાઈ હતી, જેમાં પહેલી વખત મોરારિબાપુ પોથીપૂજા અને પોથીયાત્રામાં જોડાયા હતા.
‘વૃક્ષો-વૃદ્ધોનાં મૂળ ઊંડાં હોય છે’: બાપુ
વિદેશી અને ભારતીય શ્રોતાઓને કથા કરતાં બાપુએ જણાવ્યું હતું કે, માનસના સાતેય સોપાનમાં વૃદ્ધ અને સાતેય સોપાનમાં વૃક્ષ છે તેવું કહી બાપુએ કહ્યું કે, મને માનસમાં તરુ જ નહીં, કલ્પતરુ દેખાય છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃદ્ધોની સેવા અને વૃક્ષોના જતનનાં સત્કાર્ય માટે રામકથા થઈ. આ રામકથામાં પહેલ કરતાં મોરારિબાપુએ કહ્યું હતું કે, કથામાં મારી વ્યાસપીઠ રૂ. 1 કરોડ આપશે. મારી ટીમના સૌ યથાશક્તિ દાન આપશે.


comments powered by Disqus