ગાંધીનગરઃ સરકારી તંત્ર, સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા માટે હાનિકારક લાંચિયા અધિકારીઓ, ભ્રષ્ટ નેતા, કૌભાંડી, બુટલેગરો, ડ્રગ કે ભૂમાફિયાની સંપત્તિને જપ્ત કરવા સરકારને સત્તાધિકાર મળે તે માટે વિધાનસભાએ શુક્રવારે ‘ગુજરાત વિશેષ કોર્ટ- 2024' પસાર કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કાયદાથી ગુનેગારોને ઝડપથી સજાની સાથે ગુનાથી ભેગી કરેલી અપ્રમાણસર મિલકતોની હરાજીથી મળેલાં નાણાં ગરીબોના વિકાસ માટે ગંગાજળ બનશે.
હાલમાં લાંચ રુશ્વત બ્યૂરો દ્વારા અપ્રમાણસર એકત્ર કરેલી મિલકતોને રાજ્યસાત કરવા સરકારને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. સંઘવીએ કહ્યું કે, જે કેસમાં 3 વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય અને એકત્ર કરેલી મિલકત એક કરોડથી વધારે હોય તેવા આરોપીને કાયદા હેઠળ આવરી લેવાશે.
કોંગ્રેસ સભ્યોનો હોબાળો
વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે 22 ઓગસ્ટે કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાનું આ ચોમાસું સત્ર માત્ર ત્રણ દિવસનું હતું, જેના બીજા દિવસની શરૂઆતમાં ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા થવાની હતી. વાગરા વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય અરવિંદ રાણાનો વ્યાજખોરો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા અંગેનો ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછવા માટે અધ્યક્ષે સૂચના આપી હતી. જો કે ગૃહમાં પ્રશ્ન પૂછાય એ પહેલાં કોંગ્રેસના અમિત ચાવડાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી અને કોંગ્રેસ પક્ષના સભ્યોના પ્રશ્નો દાખલ ન કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું.
મેવાણીએ હંગામો મચાવતા અધ્યક્ષે બહાર કાઢી મૂક્યા
ગુજરાત વિધાનસભામાં ડ્રગ અંગેની ચર્ચા શરૂ કરવા જઈ રહેલા મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના મામલાની ચર્ચા લાઇવ કરી આખા ગુજરાત ના નાગરિકો સુધી પહોંચાડવાનું કહેતાં જ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જસદણની દીકરી સાથે બનેલી ઘટનાની ચર્ચા લાઇવ કરવાનું કહી ગૃહમાં ધમાલ મચાવી હતી, જેના પગલે અધ્યક્ષે મેવાણીને ગૃહમાંથી બહાર કાઢી મૂક્યા હતા. જિજ્ઞેશ મેવાણીએ જસદણની દીકરી સાથેની ઘટનાની ચર્ચા કરવા માગણી કરી આખું ગૃહ ગજવ્યુંું હતું.