કમલાની ઉમેદવારીથી ડેમોક્રેટ્સમાં નવી ઉર્જાનો સંચાર

Wednesday 28th August 2024 06:02 EDT
 

જો બાઇડેન પ્રમુખપદની રેસમાંથી ખસી ગયા બાદ મેદાનમાં ઉતારાયેલા કમલા હેરિસની વધી રહેલી લોકપ્રિયતાએ ડેમોક્રેટ્સમાં એનર્જીનો એક નવો સંચાર કર્યો છે. ઓગસ્ટ મહિનામાં થયેલા લગભગ તમામ પોલમાં કમલા હેરિસ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર ટક્કર આપી રહ્યાં છે. શિકાગોમાં આયોજિત ડેમોક્રેટ કન્વેન્શન બાદ કમલા હેરિસના કેમ્પેનને વધુ વેગ મળ્યો છે. હેરિસને મળી રહેલા ડોનેશનમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો કે તાજેતરમાં રોબર્ટ એફ કેનેડીએ ટ્રમ્પની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતાં તેમના સમર્થકો હવે ટ્રમ્પના પાલામાં બેસે તેવી સંભાવનાને પગલે ટ્રમ્પ અને હેરિસ વચ્ચેની ટક્કર વધુ ઉગ્ર બને તેમ છે. હેરિસ અત્યારે ટ્રમ્પથી આગળ હોવા છતાં તેમની સામે અવરોધો પણ ઘણા છે. જે ઉમેદવાર અગ્રીમ હોય તેની મીડિયા ચકાસણી પણ વધુ થતી હોય છે. તેથી હેરિસે આગામી સમયગાળામાં મીડિયાના આકરા સવાલો માટે તૈયાર રહેવું પડશે. આ ઉપરાંત ટ્રમ્પ સાથેની ડિબેટોમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને અમેરિકી મતદારોના દિલ જીતવાનો મોટો પડકાર હેરિસ સામે રહેલો છે. ડીએનસી ખાતે બરાક ઓબામા, ઓપ્રા વિનફ્રે અને ક્લિન્ટન દંપતી હેરિસના સમર્થનમાં મંચ પર આવ્યા બાદ કમલાની ઉમેદવારીને એક બૂસ્ટર ડોઝ મળી ગયો છે. આ અગ્રણીઓના સમર્થનના કારણે ડેમોક્રેટ સમર્થકોમાં પણ કમલા હેરિસ હવે સર્વસ્વીકૃત ઉમેદવાર બની રહ્યાં છે. એક સરવે પ્રમાણે 81 ટકા ડેમોક્રેટ સમર્થક કમલા હેરિસની ઉમેદવારીથી સંતુષ્ટ છે. આમ સ્વીંગ સ્ટેટ્સમાં ટ્રમ્પ માટે ડેમોક્રેટ મતો તોડવા અઘરું બની રહેશે. ટ્રમ્પના કેમ્પેન દ્વારા કમલા હેરિસના અંગત જીવન પર કાદાવ ઉછાળવામાં આવી રહ્યો છે તેવી સ્થિતિમાં કમલા હેરિસે નીતિવિષયક બાબતો પર ભાર મૂકીને પોતે એક સક્ષમ પ્રમુખ પૂરવાર થઇ શકશે તેવો વિશ્વાસ અમેરિકન મતદારોને અપાવવો પડશે. જો તેમ કરવામાં તેઓ નિષ્ફળ જશે તો તેમની ઉમેદવારીને મોટો ધક્કો લાગી શકે છે. કમલા હેરિસ અને તેમના વાઇસ પ્રેસિડેન્ટ પીક વાઝે સ્વીંગ વોટર્સને વધુ અપીલ કરવી પડશે નહીંતર જો ટ્રમ્પ આદત પ્રમાણે કોઇ મોટા બ્લન્ડર નહીં કરે તો તેમના વિજયની શક્યતાઓ વધી શકે છે. ડેમોક્રેટ પાર્ટીમાં થયેલા ઉર્જાના સંચારને વધુ વેગવંતો બનાવવાનું ભગીરથ કાર્ય પણ કમલાએ કરવું પડશે.


comments powered by Disqus