કિડની અને લિવર પર આડઅસર કરે નહીં તેવી ટીબીની દવા વિકસાવી

Wednesday 28th August 2024 06:51 EDT
 
 

વડોદરાઃ શરીરમાં બીજી આડઅસર ન કરે તેવી ટીબી (ટ્યુબર ક્યુલોસિસ)ની દવા શોધવામાં એમ.એસ. યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોને પ્રાથમિક તબક્કે સફળતા મળી છે અને આ શોધને ભારત સરકાર દ્વારા પેટન્ટ પણ અપાઈ છે.
ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક ડો. પ્રશાંત મુરુમકરના હાથ નીચે પીએચડી કરનારાં વિદ્યાર્થિની મોનિકા ચૌહાણને ઉપરોક્ત સંશોધનના સકારાત્મક પરિણામો મળ્યાં છે. આ રિસર્ચ પેપરને બ્રિટનની પ્રતિષ્ઠિત જર્નલ ઓફ બાયોમોલેક્યુલર સ્ટ્રક્ચર એન્ડ ડાયનેમિક્સમાં પણ સ્થાન મળ્યું છે.
મોનિકા ચૌહાણના ગાઇડ ડો. મુરુમકર કહે છે કે, અત્યારે ટીબીની સારવાર માટે બજારમાં ઉપલબ્ધ અલગ-અલગ ચાર પ્રકારની દવાના કોમ્બિનેશનો ઉપયોગ થાય છે, જેમાં એન્ટિ બાયોટિક પણ છે. કેટલાક કિસ્સામાં આ દવાઓ સામે પણ ટીબીના બેક્ટેરિયા પ્રતિકાર કરવાની ક્ષમતા કેળવી લેતા હોય છે અને તે વખતે દર્દીને તેના કરતાં વધારે અસરકારક દવા આપવામાં આવે છે. જો કે આ દવાની શરીરનાં અન્ય અંગો પર અને ખાસ કરીને કિડની અને લિવર પર આડઅસર થાય છે.
ડો. મુરુમકર કહે છે કે, નવી દવા ડેવપલ કરવા માટે અમે લગભગ બે લાખ કમ્પાઉન્ડ્સ (સંયોજન)નો અભ્યાસ કર્યો હતો. તેમાંથી અમને પાઇરાઝોલોપિરામિડિનાઇન નામનું એવું કમ્પાઉન્ડ મળ્યું છે, જે ટીબીની દવા તરીકે કામ કરવાની સાથે શરીરનાં અન્ય અંગોને નુકસાન પણ નથી પહોંચાડતું.
કેવી રીતે આડઅસર દૂર કરે છે નવી દવા
ડો.મુરુમકરના કહેવા મુજબ ટીબીના બેક્ટેરિયામાં ડીપીઆરઇ-1 નામનું એન્ઝાઇમ શરીરમાં દવાની આડઅસર માટે જવાબદાર છે. નવી દવા ટીબીના બેક્ટેરિયામાં રહેલા આ એન્ઝાઇમને બ્લોક કરી દે છે અને તેની સાથે શરીરના નોર્મલ સેલને અકબંધ રાખે છે. આમ દવાની લિવર અને કિડની જેવાં અંગો પર આડઅસર થવાની શક્યતા સાવ ઘટી જાય છે.


comments powered by Disqus