ભુજઃ કચ્છના રણ વિસ્તારમાં આવેલી પાકિસ્તાન સીમા પર પહેરેદારી કરવા માટે રૂ. 3 કરોડનાં ઈઝરાયલી વાહનનો ઉપયોગ થઈ રહ્યો છે. એ જ કામ કરવા માટે ગ્વાલિયર બીએસએફની કેન્દ્રીય મોટર ગાડી પ્રશિક્ષણ સ્કૂલે માત્ર રૂ. 15 લાખ અને જુગાડ કરી રણવીર (ઓલ ટેરેન વ્હીકલ) તૈયાર કર્યું છે. જેને સીમા પર તહેનાત પણ કરી દેવાયું છે. ઈઝરાયેલી વાહનનો 4 વર્ષનો જાળવણી ખર્ચ રૂ. 1.5 કરોડ હતો, જેના પગલે ગ્લાલિયરના બીએસએફને વધુ જુગાડ વાહન તૈયાર કરવા આદેશ અપાયો છે.
રણવીરનો પાવર હજુ વધશે
કચ્છના રણના કીચડવાળા સીમાક્ષેત્રમાં તહેનાત રૂ. 3 કરોડના ઇઝરાયલી વાહનોનું મેન્ટેનન્સ 4 વર્ષમાં આશરે દોઢ કરોડ હતું. એવામાં ગ્વાલિયર બીએસએફનું રૂ. 15 લાખનું રણબીર ઘણું વાજબી સાબિત થઈ રહ્યું છે. જેમાં ત્રણ લોકો બેસીને પેટ્રોલિંગ કરી શકે છે.
રણવીરનો કેમેરો ખાસ
800 કિલો વજન અને રોલ કેજ ધરાવતા રણવીર ઓલ ટેરેન વ્હીકલનાં ટાયર કાદવમાં ફસાતાં નથી. રણવીરમાં ઉપર કેમેરો પણ લાગેલો છે. આ કેમેરાની મદદથી આ વ્હીકલ એક નક્કી કરેલી રેન્જ સુધી પોસ્ટના સંપર્કમાં રહે છે.