કોરોના મહામારી બાદ બ્રિટનમાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ જનતા માટે અત્યંત મહત્વની સમસ્યા બની રહી હતી. માર્ચ 2024 સુધી ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2 ટકાના લક્ષ્યાંક પર આવી શક્યો નહોતો. હવે ફુગાવાનો દર બેન્કના લક્ષ્યાંક પર હોવા છતાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં કોઇ રાહત મળી નથી. હવે ઓફજેમ દ્વારા ઓક્ટોબરથી એનર્જી પ્રાઇસ કેપમાં 10 ટકાનો વધારો કરાતાં પરિવારો પર વધારાનો બોજો પડવાનું શરૂ થઇ જશે. એનર્જી પ્રાઇસ ફક્ત ઘરેલુ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારો પર પણ આધારિત રહે છે. બ્રિટન તેની ગેસ જરૂરીયાતનો 50 ટકા હિસ્સો આયાત કરે છે. દેશમાં ઘરોને ગરમ રાખવા માટે મુખ્યત્વે ગેસનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત દેશમાં ત્રીજા ભાગની વીજળીનું ઉત્પાદન પણ ગેસ આધારિત છે. તાજેતરના મહિનાઓમાં સપ્લાયરો દ્વારા ચૂકવાતી જથ્થાબંધ કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. જેના કારણે ગેસની કિંમતમાં વધારો થતાં વીજળીના બિલમાં પણ વધારો થાય છે. તેથી સરકાર કે એનર્જી કંપનીઓ ગ્રાહકોને લાંબાગાળાની રાહત આપી શક્તાં નથી તેથી કિંમતોના વધારા સાથે ગ્રાહકો એનર્જીનો અસરકારક ઉપયોગ કરવો પડે છે. એનર્જી પ્રાઇસ કેપનો બચાવ કરી શકાય પરંતુ તે સંપુર્ણ નથી. એનર્જી પ્રાઇસ કેપના કારણે 2021માં ઘણા સપ્લાયર બિઝનેસમાંથી બહાર થઇ ગયાં હતાં. યુકેમાં ડોમેસ્ટિક એનર્જી એક વિશેષ મુદ્દો છે. દેશમાં ગ્રાહકો સહેલાઇથી સપ્લાયર બદલી શક્તાં નથી અને તેમના માટે કિંમતોમાં સુરક્ષા મહત્વનો મુદ્દો છે. એનર્જી પ્રાઇસ કેપમાં વધારાના કારણે ઓછી આવક ધરાવતા પરિવારો પર સૌથી વધુ અસર થતી હોય છે કારણ કે તેમની આવકનો મોટો હિસ્સો એનર્જી બિલો ચૂકવવામાં ખર્ચાઇ જાય છે. આ વખતે પણ ઓક્ટોબરથી અમલી બની રહેલી પ્રાઇસ કેપના કારણે એનર્જી બિલમાં સરેરાશ 149 પાઉન્ડનો વધારો જોવા મળશે. તે ઉપરાંત નવી લેબર સરકાર પેન્શનરો માટે વિન્ટર ફ્યુઅલ એલાઉન્સ નાબૂદ કરવાની જાહેરાત કરી ચૂકી છે જે વૃદ્ધો માટે કુઠારાઘાત સમાન પૂરવાર થશે. તેમના માટે એનર્જી પર નાણા ખર્ચવા કે ભોજન પર તે એક મોટો સવાલ બની રહેશે. આગામી શિયાળામાં ગરીબ પરિવારો માટે એનર્જીના બિલ અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ બની રહેવાના છે.