ચીનને ટક્કર આપતાં ગુજરાતમાં બનતાં રમકડાં

Wednesday 28th August 2024 06:01 EDT
 
 

રાજકોટ: સ્થાનિક માર્કેટમાં અત્યાર સુધી ચાઇનીઝ રમકડાંની બોલબાલા ચાલતી આવી છે, પરંતુ હવે આ માર્કેટ ભારતીય ઉદ્યોગકારો દ્વારા રમકડાંથી ઊભરાઈ રહ્યાં છે. સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન અને રમકડાં ઉદ્યોગની ખાસ નીતિએ ગુજરાતમાં અનેક લોકલ ઉત્પાદકો ઊભા કરી દીધા છે. એનાથી લોકલ ઉત્પાદકોને તો વેગ મળ્યો જ છે, સાથોસાથ બાળકો માટે સલામત રમકડાં પણ બનવા લાગ્યાં છે.
સરકારે બે વર્ષ પહેલાં ચીનનાં રમકડાં પર પ્રતિબંધ લગાવી દીધો છે અને લોકલ ફોર વોકલ અંતર્ગત સ્થાનિક રમકડાં ઉત્પાદકોને પ્રોત્સાહન અપાતાં બે વર્ષમાં ચિત્ર બદલાઈ ગયું છે. હાલ બજારમાં સંપૂર્ણ લોકલ રમકડાં જ મળી રહ્યાં છે.
સ્થાનિક વેપારીઓએ કહ્યું, રાજકોટ અને આસપાસના શાપર, રીબડા, મેટોડા ઔદ્યોગિક વિસ્તારોમાં રમકડાં બનાવતાં 50 જેટલાં યુનિટ કાર્યરત્ છે. આ ઉપરાંત મોરબીમાં 30-40 જેટલાં યુનિટ કાર્યરત્ છે. જ્યારે અમદાવાદમાં પણ રમકડાં બની રહ્યાં છે. આમ ગુજરાતમાં 200થી વધુ રમકડાં મેન્યુફેક્ચર આવેલાં છે.
રાજકોટ સહિત ગુજરાતમાં હવે પ્લાસ્ટિકની સાથે ઇલેક્ટ્રોનિક્સ રમકડાં પણ બની રહ્યાં છે. આ રમકડાં ગુજરાત ઉપરાંત અમેરિકા અને આફ્રિકાના દેશોમાં પણ નિકાસ થાય છે. ચાલુ વર્ષે રમકડાંના ભાવમાં કોઈ વધારો થયો નથી.
રમકડાંની ડિઝાઇનની હજુ થતી આયાત
રમકડાં બનાવવા માટે તેની ડિઝાઇન બનાવવામાં આવે છે, જેની ડાઇ બનાવવામાં હજુ ગુજરાત પાછળ છે. આ ડાઈ મોટાભાગે ચીનથી ઇમ્પોર્ટ કરવામાં આવી રહી છે, જેથી તે દિશામાં હજુ આગળ વધવાની જરૂર છે. ભારતમાં જ રમકડાંની ડિઝાઈનની ડાઇ મેન્યુફેક્ચર કરવામાં આવે તેવાં યુનિટો સ્થપાય તે જરૂરી છે.


comments powered by Disqus