શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા હતા. કલમ 370 હટયા પછી જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ અને સીપીઆઈ સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. જો કે પીડીપી સાથે જોડાણ અનિશ્ચિત છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી શ્રીનગરમાં ડો. ફારુક અબ્દુલ્લાના નિવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે લગભગ 40 મિનિટ સુધી ચર્ચા બાદ નેશનલ કોન્ફરન્સ અને સીપીએમ સાથે જોડાણની જાહેરાત કરી હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ હાજર હતા.