નવનાત વડિલ મંડળે ભારતના સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી કરી

- જ્યોત્સના શાહ Wednesday 28th August 2024 06:16 EDT
 
 

શુક્રવાર તા.૧૬ ઓગષ્ટ’૨૪ના રોજ નવનાત હોલ ત્રિરંગામય બની ગયો હતો.
નવનાત વડિલ મંડળે ભારતના સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર, જ્ઞાતિજનોની ભરચક હાજરી વચ્ચે કરી. અતિથિ વિશેષ શ્રી સી.બી.પટેલે એમના વક્તવ્યમાં નવનાતના સભ્યોને બિરદાવતા નવનાતની સ્થાપનાના પોતાના સંસ્મરણોની પેટી ખોલી. એ વખતે સી.બી.ના એજવેરના નિવાસસ્થાને પ્રાણલાલ શેઠ, નવનીતભાઇ શેઠ, જે.જે.મહેતા, વિનોદભાઇ ઉદાણી, પંકજ વોરા ….વગેરે અનેક અગ્રણીઓ નવનાતની સ્થાપના માટે ચર્ચા કરવા ભેગાં મળ્યા હતાં એ યાદ તાજી કરી.
બુધ્ધિ ચાતુર્ય, સંગઠન અને વહીવટમાં વાણિયાઓના વખાણ કરતા સી.બી.એ જણાવ્યું કે, ૧૮ એકરની વિશાળ જગ્યામાં પથરાયેલ આ વિશાળ ભવન, એનું વિશાળ કાર પાર્ક સમાજને આવક ઉભી કરવા સાથે વિવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી એનો સદુપયોગ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં જે રીતે કરી રહેલ છે એ ગૌરવ ઉપજાવે તેવો છે.
પ્રોગ્રામની શરૂઆત બરાબર ૧૧.૩૦ વાગ્યે નવનાતના પ્રમુખ જશવંતભાઇ દોશી, વડિલ મંડળના પ્રમુખ નટુભાઇ મહેતા અને આજના મુખ્ય મહેમાન ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના ચીફ એડીટર શ્રી સી.બી.પટેલે સાથે મળીને પ્રાર્થનાથી કરી. ત્યારબાદ વડિલ મંડળના સેક્રેટરી શ્રી નિતિનભાઇ સાવડિયાએ વડિલ મંડળના પ્રમુખ નટુભાઇને આમંત્ર્યા. તેઓએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું.
પ્રોગ્રામના કો-ઓર્ડીનેટર્સ બંસરીબહેન રૂપાણી અને જગદીશભાઇ સાંગાણીએ ખૂબ જ સરસ રીતે કાર્યક્રમના આયોજનની જવાબદારી સંભાળી હતી.
મરીના અને મેલોડી એક્સપ્રેસના ગાયકો મરીના, સુજાતા અને અંજને ભારત અને બ્રિટનના રાષ્ટ્રીય ગીતો બાદ અન્ય દેશભક્તિના સુમધુર ગીતો ગાઇ સૌને દેશભક્તિનો રંગ લગાડ્યો. છેલ્લે કસુંબીના રંગથી શહીદોને ભવ્ય અંજલિ અર્પી. અતિથિ વિશેષ સી.બી.પટેલને ય સાફો પહેરાવી હોલમાં ત્રિરંગા સાથે ફેરી ફેરવી અનેરો અનુભવ કરાવ્યો. જાણીતા કોરિયોગ્રાફર કલ્પનાબહેન ભટ્ટે સૌને નૃત્યમાં સામેલ કરી દેશભક્તિનો માહોલ જમાવી ત્રિરંગાનો જયજયકાર કરી દીધો.
ત્યારબાદ નવનાતની કિચન કમિટીના બહેનોના હાથે બનાવેલ ગરમાગરમ, સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ લીધા બાદ કાર્યક્રમનો બીજો દોર શરૂ થયો.
એ દિવસના હોલની સુંદર સજાવટ શ્રી જગદીશભાઇ અને મીનાબહેન સાંગાણીએ કરી નવનાત હોલને મિની ભારત બનાવી દીધું હતું. આ કાર્યક્રમના સ્પોન્સરર ડો. સુરેશભાઇ પરીખ અને પરિવાર હતા. તેઓએ એમનાં પત્ની મીરાબહેનના સ્મરણાર્થે આ કાર્યક્રમ સ્પોન્સર કરેલ.
નવનાત રસોઇની ફ્લેવર્સ: ‘નવરસ’ કુકરી બુક ગોલ્ડન જ્યબિલી વર્ષની અણમોલ ભેટ
નવનાત વણિક એસોસિએશન અને નવનાત વડિલ મંડળના સહયોગથી તૈયાર કરાયેલ કુકરી બુક ‘નવરસ’ની લોકાર્પણ વિધિ વેળા પૂર્વ પ્રેસિડેન્ટ નલીનભાઇ ઉદાણીએ આ બુક પ્રકાશિત કરવા માટે કુકરી ટીમનો ખાસ આભાર માન્યો. કોવિદ - ૧૯ના કપરા સમયમાં ઝૂમ કાર્યક્રમોમાં વિવિધ વાનગીઓના ડેમોસ્ટ્રેશનને સારો એવો આવકાર મળ્યો અને એની બુક પ્રસિધ્ધ કરવાની ઉઠેલ માંગના પરિણામે આ પુસ્તક તૈયાર થયું. મોંમાં પાણી આવી જાય તેવી ૧૦૦થી વધુ સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ બનાવવાની રીત સચિત્ર રંગીન તસવીરો સહિત રજૂ કરવામાં આવી છે. આ આકર્ષક પુસ્તક નવી પેઢી માટે આશીર્વાદરૂપ થઇ પડશે. આ વાનગીઓ કિચન કમિટીની બહેનો સહિત અન્ય કોમ્યુનિટી સભ્યોના સહકારથી બનાવવામાં આવી છે. એને સરસ રીતે રજૂ કરવાની જહેમત ઉઠાવનાર બુક પ્રકાશનની ટીમ દર્શનાબહેન બજરીયા, નીતીનભાઇ મહેતા, કેવીન મીઠાની, ચંદ્રકાન્ત શાહ, શકુંતલાબહેન શેઠ, નલિનભાઇ ઉદાણી અને સરોજબહેન વારીયાને અભિનંદન.
દર્શનાબહેન બજરીયાએ આ પુસ્તકના પ્રકાશન અંગે જ્યોત્સનાબહેન શાહને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘છેલ્લા ત્રણેક વર્ષ આ પ્રોજેક્ટ માટે જહેમત ઉઠાવી. આ તો ‘લેબર ઓફ લવ’ છે. બધી જ વાનગીઓની પસંદગી, એના પ્રમાણમાપ, યુવાનોને સમજાય એ રીતે ગ્રામમાં રૂપાંતર કરી, વાનગીઓ ઘરે બનાવી, એના ફોટા લઇ શક્ય એટલું પ્રોફેશ્નલ બનાવવાના પ્રયાસમાં ક્યાંય કચાશ રાખી નથી. એને ધાર્યા કરતા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. લોંચના ચાર જ દિવસમાં ૪૦૦ (બધી જ)બુકો વેચાઇ ગઇ અને વધુ માંગને કારણે બીજી આવૃત્તિના પ્રકાશનની તૈયારીઓ કરવા કટિબધ્ધ બન્યાં. વિચાર પૂર્વક આયોજન, લીડરશીપ, વીઝન અને ટીમના સહકારથી બનેલ આ પુસ્તક હોટ કેકની જેમ લોકપ્રિય બન્યું. એની લોકપ્રિયતાએ અમારો ઉત્સાહ વધારી દીધો.’
મૂળ ગોવાના દર્શનાબહેન ૧૯૮૦માં દીપકભાઇ બજરીયા સાથે લગ્ન કરી લંડન આવ્યાં. અત્રે રાણીની કંપની “ધ ક્રાઉન એસ્ટેટ’’માં એકાઉન્ટન્ટ તરીકે ૧૩ વર્ષ કામ કર્યું. સમાજમાં કોઇ કમિટીમાં નથી પરંતુ પોતાની આગવી સૂઝથી આ પ્રોજેક્ટનું નેતૃત્વ લઇ કામ સુપેરે પાર પાડ્યું. એની વિષય વસ્તુમાં સ્ટાર્ટર્સ, મુખ્ય ડીશ, મીઠાઇ, ફરસાણ, ચટણી-અથાણાં, ડ્રીનક્સ એક સંપૂર્ણ ગુજરાતી થાળીની વાનગીઓની વિવિધતાનો સમાવેશ કરાયો છે. ચુસ્ત રીતે પાલન કરનારને ધ઼યાનમાં રાખી જૈન ભોજનને પણ મહત્વ આપાયું છે.
નલિનભાઇ ઉદાણીએ આ બુકે કઇ રીતે આકાર લીધો, એનું નામ તથા એ પાછળ જેઓએ પ્રદાન આપ્યું તે સૌની કદર કરી. નવનાત વણિક એસોસિએશન યુ.કેના ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે થયેલ આ પુસ્તક સમાજની કિચન કમિટીની બહેનોની સેવાને સાદર કરાયું છે. જેમાં ભારતીય મસાલાની સમજ, વાનગીઓનું વેરીએશન, ટીપ્સ વગેરે નાની-નાની બાબતોનો ખ્યાલ રખાયો છે.
આ પુસ્તકની પ્રી લોકાર્પણ વિધિ ભારતીબહેન વોરાના વરદ્ હસ્તે થઇ હતી. તેમણે એમના વક્તવ્યમાં જણાવ્યું કે, ‘આ પુસ્તકમાં વડીલોની પરંપરા, નવયુવાનોની પ્રેરણા અને ભગિનીની પ્રતિભાનો ત્રવેણી સંગમ છે.’ પ્રીલોન્ચ બાદ દેશભક્તિના ગીતોનો દોર ચાલુ રહ્યો. (તસવીર સૌજન્ય: મીનાબહેન સાંગાણી)


comments powered by Disqus