નવસારીઃ નવસારી નજીક નેશનલ હાઇવે નં.48 પરથી બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ વિભાગે રૂ. 2 કરોડની કિંમતનું એમ્બરગ્રીસ જેલ (વ્હેલની ઊલટી) સાથે 4 શખ્સને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે શખ્સને ફરાર જાહેર કર્યા છે. વ્હેલની ઊલટીમાંથી નીકળતો પદાર્થ એમ્બરગ્રીસ કહેવાય છે, જેને વેચવા માટે આરોપી હોટેલમાં ભેગા થયા હતા.
નવસાર ફોરેસ્ટ વિભાગ અને વાઇલ્ડ લાઇફના વોર્ડનને નવસારી હાઇવેની હોટેલમાં એમ્બરગ્રીસ વેચવા કેટલાક લોકો આવવાના હોવાની બાતમી મળી હતી. દરમિયાન 4 શખ્સો આવતાં તેમને ઝડપી લેવાયા હતા. તપાસમાં 1 કિલો 360 ગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો મળ્યો હતો, તેની બજાર કિંમત અંદાજિત રૂ. 2 કરોડ થાય છે.
ભારત સરકારના વન્ય પ્રાણી સંરક્ષણ કાયદો 1972ની વિવિધ કલમ હેઠળ તેના વેચાણ-ખરીદી કરવા પર પ્રતિબંધ છે. તેનો ભંગ કરવા બદલ લલસાડના ભાવિન અને મિલન તેમજ ગણદેવીના વિશાલ અને વિનયની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.