અમદાવાદઃ ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. ઘણા લાંબા સમયથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કંઈક નવાજૂની કરવાના મૂડમાં છે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, જવાહર ચાવડાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ખાનગીમાં બેઠક કરી છે. આ જોતાં આગામી દિવસોમાં જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવાં એંધાણ છે, જેના પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ઘણા સમયથી નારાજ છે. એટલું જ નહીં ટોલટેક્સના મુદ્દાને લઈને જવાહર ચાવડા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે પણ કોલ્ડવોર ચરમસીમાએ છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરની પેટાચૂંટણી વખતે મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પર નિશાન સાધી એવું કહ્યું હતું કે, જે વ્યક્તિ પક્ષનું નિશાન લઈને ફરે છે તેમણે પક્ષનું કામ કરવું જોઈએ. જવાહર ચાવડાનું કહેવું છે કે, ભાજપ પક્ષવિરોધીઓને જ છાવરે છે. જેમણે ચૂંટણીમાં પક્ષના ઉમેદવારને હરાવવાનું ખુલ્લેઆમ કૃત્ય કર્યું છે તેની સામે પગલાં ભરવામાં આવતાં નથી. વર્ષ 2017માં જે ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કરી હતી, એ જ નેતાઓએ વર્ષ 2019માં પણ ભાજપના ઉમેદવારને હરાવવાનું કૃત્ય કર્યું હતું. આ અંગે સી.આર. પાટીલથી માંડીને વડાપ્રધાનનું ધ્યાન દોર્યું છે, છતાં પક્ષવિરોધીઓને ઊની આંચ આવી નથી. ધારાસભ્ય અરવિંદ લાડાણીની પણ મારા જેવી દશા થવાની છે. લાડાણી ભાજપની ચંડાળ ચોકડીના નિશાને છે.
એવું જાણવા મળ્યું છે કે, જવાહર ચાવડા કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે. શક્તિસિંહ ગોહિલ સાથે તો બેઠક સુધ્ધાં થઈ છે. સૂત્રોના મતે જવાહર ચાવડા જિલ્લા - તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલાં સમર્થકો સાથે કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.