સુરતઃ જન્માષ્ટમી પહેલાં સુરતની ચાર સગર્ભા માતા દ્વારા પોતાની અંદર ઊછેરી રહેલા બાળકને સારા સંસ્કાર અને જ્ઞાન મળે તે હેતુથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો. આ ચારેય માતાઓએ શ્રીમદ ભગવત ગીતાના 700 શ્લોક અને 18 અધ્યાયને આવનારા બાળકનાં નાનકડાં ઝભલાં પર પોતાના હાથે લખ્યા. સનાતનના મહાત્મ્યને દર્શાવતાં આ ચારેય માતાઓએ 18 એવાં ઝભલાં તૈયાર કર્યાં છે, જેના પર ગીતાના 18 અધ્યાયને કંડારવામાં આવ્યાં છે. આ ઉપરાંત દરેક ઝભલાં પર ભગવાન કૃષ્ણનાં વિવિધ સ્વરૂપ અને તેમને પ્રિય પ્રતીક સુદર્શન ચક્ર, મોરલી, શંખ, મોરપિંચ્છ, બાળસ્વરૂપ શ્રીકૃષ્ણ, ગોવર્ધનકારી જેવા અલગ અલગ ચિત્રો પણ દોરવામાં આવ્યાં છે. ઝભલા પર આ કાર્ય કરવામાં એમને એક મહિનાનો સમય લાગ્યો હતો.