નવીદિલ્હીઃ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમે 21 ઓગસ્ટે ભારતનો પ્રવાસ કર્યો. આ દરમિયાન તેમણે ભારતથી ફરાર થયેલા ઝાકિર નાઇક અંગે ચર્ચા કરી અને કહ્યું કે, ભારત દ્વારા અમને નાઇક વિરુદ્ધ પુરાવા અપાશે તો અમે તેને સોંપવા વિચારીશું.
આ સિવાય અનવર ઇબ્રાહિમે નહેરુ, કાશ્મીર, પાકિસ્તાન સહિતના મુદ્દે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કાશ્મીર તે ભારતનો ઘરેલુ મામલો છે, અમે આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની તરફેણ કરીએ છીએ. જ્યારે કલમ 370 હટાવાઈ ત્યારે મલેશિયાના તત્કાલીન વડાપ્રધાન મહાતિર મોહમ્મદે ભારતની ટીકા કરી હતી. જ્યારે વર્તમાન વડાપ્રધાને સ્પષ્ટતા કરી કે, કાશ્મીરના નિર્ણય લેવા ભારત સ્વતંત્ર છે, આ તેનો આંતરિક મામલો છે.
કટ્ટરવાદી ઈસ્લામિક ઉપદેશ બનેલો ઝાકિર નાઈક 2016 માં ભારત છોડીને ભાગી ગયો હતો, વર્ષ 2018માં મલેશિયાએ તેને શરણ
આપી હતી.
મલેશિયાના વડાપ્રધાને આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પણ મુલાકાત કરી હતી. જે દરમિયાન બંને દેશો વચ્ચેના વેપાર સહિતના મામલાઓ પર ચર્ચા થઈ હતી.
દિલ્હીમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સના કાર્યક્રમને સંબોધતાં અનવરે કહ્યું હતું કે, હું તે હકીકતથી ઇનકાર ના કરી શકું કે ભારત લઘુમતી કે ધાર્મિક ભાવનાઓને પ્રભાવિત કરનારા કેટલાક મુદ્દાઓનો સામનો કરે છે. મને આશા છે કે ભારત તેનો નિકાલ લાવશે.