યોગી જ પીએમ મોદીના વારસ હોવાનો આરએસએસનો સંકેત

Wednesday 28th August 2024 06:51 EDT
 
 

લખનઉઃ લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપના ખરાબ દેખાવ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ પરથી હટાવવા નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને આગળ ધરીને કેન્દ્રીય નેતૃત્વ તૈયારી કરી રહ્યું હોવાના દાવા થઈ રહ્યા છે.
તાજેતરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે ભાજપ અને આરએસએસના વરિષ્ઠ નેતાઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં આરએસએસના નેતાઓએ ભાજપ નેતાઓને યોગી વિરુદ્ધ નિવેદનો બંધ કરવા કહ્યું છે. સંઘે કેશવપ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક સહિતના નેતાઓને સ્પષ્ટ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં યોગી જ ભાજપના નેતા છે અને ભવિષ્યની ચૂંટણી પણ યોગીના નેતૃત્વમાં જ લડાશે.
સંઘના નેતાઓનું વલણ નરેન્દ્ર મોદીના રાજકીય વારસ બનવા થનગનતા અમિત શાહ માટે મોટા ફટકાસમાન છે. સંઘે આડકતરી રીતે યોગી ભવિષ્યમાં નરેન્દ્ર મોદીના સ્થાને ભાજપનું નેતૃત્વ કરશે એવો સ્પષ્ટ સંકેત આપી દીધો હોવાનું અર્થઘટન કરાય છે.
સૂત્રોનો દાવો છે કે, થોડા સમય પહેલાં રાજનાથસિંહના નિવાસસ્થાને મળેલી બેઠકમાં પણ સંઘના નેતાઓએ અમિત શાહ સહિતના નેતાઓને યોગી આદિત્યનાથની અવગણના બંધ કરવા કહી દીધું હતું. ભાજપના નેતાઓને એ વખતે જ કહી દેવાયેલું કે, યોગી વિના ઉત્તર પ્રદેશમાં ભાજપ જીતી શકે તેમ નથી.


comments powered by Disqus