આણંદઃ ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વિદેશગમન કરી ગયેલા શિક્ષકોની વિદેશમાં હાજરી અને છતાં પૂરેપૂરો પગાર લેતા હોવાની બાબતને લઈને ખાડે ગયેલો વહીવટ ચર્ચામાં આવ્યો છે. આવા સમયે આણંદના ખંભાત તાલુકામાં એક સ્કૂલ એવી પણ ધ્યાને આવી છે કે જ્યાં સ્કૂલ છે પણ વિદ્યાર્થી નથી. શિક્ષકો છે પણ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. મેદાન છે પણ રમતગમતનાં સાધનો નથી. આ સ્કૂલ એટલે જ્યુબિલી માધ્યમિક હાઇસ્કૂલ, જ્યાં પગાર સહિત મહિને રૂ. 3 લાખનો ખર્ચ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ખંભાતથી નગરા રોડ પર જતાં બી.ડી. રાવ કોલેજ કેમ્પસમાં આવેલી ત્રણ પૈકી બે ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા આંખે ઊડીને વળગે તેવી છે, જ્યારે જ્યુબિલી માધ્યમિક હાઇસ્કૂલમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે માસ થવા છતાં એકપણ વિદ્યાર્થી નથી.
સરકારી ગ્રાન્ટ પણ મળતી નથીઃ પ્રિન્સિપલ
પ્રિન્સિપાલ મિતેષ મકવાણાએ જણાવ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી એટલે હવે સરકારી ગ્રાન્ટ પણ આવતી નથી. ગતવર્ષે 57 હજાર ગ્રાન્ટ મળી હતી, પરંતુ તે પણ પરત આપી દેવી પડી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા બાબતે અમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂઆત કરી છે. ગત જુલાઈમાં પણ તેમને રજૂઆત કરી તેનો રિપોર્ટ મોકલી આપ્યો હતો. કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી અમે દરરોજ શાળામાં આવીએ છીએ, પરંતુ હવે અમે કંટાળ્યા છીએ. હવે શાળામાં સુધારો આવે કાં તો અન્ય કોઈ નિર્ણય લેવાય તેની રાહ જોઈ રહ્યા છીએ.