વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ સર્વાનુમતે પસાર: જામીન પણ નહીં મળે

Wednesday 28th August 2024 06:02 EDT
 
 

ગાંધીનગરઃ વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો 21 ઓગસ્ટ બુધવારથી પ્રારંભ થયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું, આ બિલ સર્વાનુમતે પસાર કરાયું હતું. બિલ મુજબ અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા કે દુષ્પ્રેરણા આપનારાને સજા થશે.
કઈ પ્રવૃત્તિ ગુનો ગણાશે?
આ બિલની જોગવાઈ મુજબ કોઈ વ્યક્તિ માનવ બલિદાન અથવા અન્ય કોઈ અમાનુષી, અનિષ્ટ, અઘોરી અથવા કાળા જાદુ કરે કે કરાવડાવે અથવા આ અગેની જાહેર ખબર કરે, વ્યવસાય કરે, પ્રચાર કરે અથવા આવી પ્રવૃત્તિને ઉત્તેજન આપે તેને ગુનો ગણવામાં આવશે.
સજા અને દંડની જોગવાઈ
આ ગુનાની દોષિત વ્યક્તિને 6 મહિનાથી લઈ 7 વર્ષ સુધીની કેદની અને રૂ. 5 હજારથી રૂ. 50 હજાર સુધીનો દંડ કરવામાં આવશે. આ ગુનામાં ઝડપાયેલી વ્યક્તિનો ગુનો બિનજામીનપાત્ર ગણાશે. ગૃહરાજ્યમંત્રી સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં રહેતા તમામ ધર્મ અને જ્ઞાતિ પ્રમાણે રિવાજ પણ અલગ-અલગ છે. આ બિલમાં ખાસ ધ્યાન રખાયું છે કે કોઈપણ ધર્મ કે જ્ઞાતિના લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે. કાયદા બનાવવાથી કાળા જાદુ અટકતા નથી એમ હું માનું છું પણ 182 ધારાસભ્યને આવાં દૂષણ દૂર કરવા પ્રજાએ જવાબદારી આપી છે.
વિજિલન્સ ઓફિસરની નિયુક્તિની જોગવાઈ
આ કાયદાની કલમ-5માં વિજિલન્સ ઓફિસરની નિયુક્તિની જોગવાઈ કરાઈ છે, વિજિલન્સ ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉપલા સંવર્ગના રહેશે. વિજિલન્સ ઓફિસરે પોતાના અધિકાર ક્ષેત્રમાં સૂચિત કાયદામાં જણાવેલા ગુના શોધી કાઢવા અને અટકાવવા, ભોગ બનનાર કે તેના પરિવારના સભ્ય દ્વારા ફરિયાદ બાદ યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને સંબંધિત પોલીસ સ્ટેશનને જરૂરી મદદ આપવાની રહેશે. વિજિલન્સ ઓફિસરની ફરજમાં અવરોધ કે બાધા કરનારાને ત્રણ માસની કેદ અથવા રૂ. 5 હજાર સુધીના દંડ સાથે કેદની સજાની જોગવાઈ કરાઈ છે.


comments powered by Disqus