સર્વ ધર્મ સમભાવનો પવિત્ર વિચાર આપતો આપણો સનાતન ધર્મ વિશ્વભરમાં શાંતિનો સંદેશ ફેલાવી રહ્યો છે, જેને લઈને એક અભિયાન ઉપાડવું ખૂબ જરૂરી બની ગયું છે. આ જ ઉદ્દેશ સાથે ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતમાં ગહન ચર્ચા કરવામાં આવી, જેમાં કાર્ડિફ કેન્દ્રસ્થાને રહ્યું.
કાર્યક્રમનું સંચાલન કરતાં એડિટર ઇન ચીફ સી.બી. પટેલે જણાવ્યું કે, કાર્ડિફમાં ઘણાં વર્ષોથી સનાતન મંદિરની કલ્પના થકી સુંદર કામ થઈ રહ્યું છે. અમેરિકાના એક રિસર્ચમાં જણાયું છે કે, સૌથી વધુ શાંતિપૂર્વક રહેવામાં, શિક્ષણ અને વ્યવસાયને પ્રાધાન્ય આપવામાં ભારતીયો પ્રથમ ક્રમે આવે છે. પછી ભલે ગમે તે ધર્મ, જ્ઞાતિ, ભાષા, ગામના હોય. કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને આ મંદિર અંગે હું વર્ષોથી જાણું છું. વર્ષોની મહેનત અને સ્થાનિકોના ખંતથી આ મંદિર ઘણું ફૂલ્યુંફાલ્યું છે.
હું વિમળાબહેન પટેલને વિનંતી કરીશ કે તેઓ ધર્મ, પરંપરા અને તેના જતન અંગે આપની રજૂઆત કરો.
વિમળાબહેન પટેલઃ સી.બી. પટેલ અમારા સનાતન ધર્મ મંડળમાં તમારો સતત સાથ-સહકાર મળતો રહ્યો છે. જ્યારે સનાતન ધર્મ મંડળને ફંડની જરૂર હતી ત્યારે તમે 5 હજાર પાઉન્ડની મદદ તો કરી જ હતી, સાથોસાથ ફંડ એકત્ર કરવામાં પણ મદદ કરી હતી. અમારા મંદિરમાં ઘણાં દેવી-દેવતા બિરાજમાન છે, જેમાં રાધાકૃષ્ણ, શ્રીનાથજી અને બાલકૃષ્ણ સિવાય રામદરબાર, શિવદરબાર, ગાયત્રી માતા, અંબાજી માતા, વિશ્વકર્મા, સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, શિરડી સાંઈબાબા, જલારામ બાપા, ખોડિયાર માતા, આશાપુરા માતા અને હમણા તિરુપતિ બાલાજીની મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરાઈ છે. ભારતમાં ચારધામની યાત્રા જેટલું જ મહત્ત્વ અહીં રહેતા લોકો માટે કાર્ડિફ મંદિર અને સ્કાન્ડાવેલનું કાળકા માતાનું મંદિર ધરાવે છે.
અમારા ટ્રસ્ટીમંડળમાં રોહિતભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, હરિલાલભાઈ પટેલ ડો. હસમુખભાઈ શાહનો સમાવેશ થાય છે. અમારા પ્રેસિડેન્ટ વિનોદભાઈ પટેલ છે અને વાઇસ પ્રેસિડેન્ટ હંસરાજભાઈ પટેલ છે, તો જનરલ સેક્રેટરી વિમળાબહેન પટેલ અને આસિસ્ટન્ટ સેક્રેટરી સુધાબહેન ભટ્ટ, ટ્રેઝરર હરજીવનભાઈ પટેલ અને વાઇસ ટ્રેઝરર પરસોત્તમભાઈ મિસ્ત્રી છે. અમારી આ કમિટી મેમ્બરમાં હિતેશભાઈ વડગામા, પંકજભાઈ ગજ્જર, રશ્મિકાંતભાઈ ખંભાયતા, રમેશભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલને સમાવવામાં આવ્યા છે. અમારી કમિટીના કો. મેમ્બરમાં દિલીપભાઈ પટેલ, વ્રજેશ સાંગાણી અને વિક્રમ વર્માનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યોની અથાક મહેનતે મંદિરને ઘણી નામના અપાવી છે.
આસિસ્ટન્ટ સેક્રેટરી સુધાબહેન ભટ્ટે જણાવ્યું કે, ઉત્સવોની ઉજવણીમાં હું વધારે ધ્યાન આપું છું. નવરાત્રી, હોળી, વિશ્વકર્મા જયંતી, જન્માષ્ટમી, રામનવમી, હનુમાન જયંતીનું અહીં સુંદર આયોજન થાય છે. ત્યાં સુધી કે રામમંદિર ખુલ્લું મુકાયું તે દિવસે પણ અમે અહીં ભજન અને મનોરંજક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમે અન્ય હિન્દુ મંદિરોની સાથે કાર્ડિફમાં હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સની ઇવેન્ટ્સમાં પણ રિપ્રેઝન્ટ કરીએ છીએ અને સનાતન મંડળનો પ્રચાર અને પ્રસાર કરીએ છીએ. નવરાત્રીનો એક દિવસ એવો ગોઠવવામાં આવે છે, જ્યારે માત્ર વિદ્યાર્થીઓ જ આવે. નવા-નવા વિદ્યાર્થીઓ માટે ઘરથી દૂર અહીં આ બીજું ઘર બની રહે છે.
હરિભાઈ પટેલે મંદિર અંગે જણાવતાં કહ્યું કે, ઓક્ટોબર 1972માં જ્યારે અમે યુગાન્ડાથી આવ્યા ત્યારે લાગ્યું કે આપણે આપણી સંસ્કૃતિ ગુમાવી રહ્યા છીએ. અમારા ઘરડાં માવતર અને વડીલોને રાજી કરવા માટે અમે જાન્યુઆરી 1973માં ઘર સત્સંગ શરૂ કર્યો હતો, જે 1979 સુધી ચાલ્યું. આગળ જતાં અમે હોલ ભાડે રાખીને સત્સંગનું આયોજન કરતા હતા. કાર્ડિફમાં અમારી વસ્તીમાં વધારો થતાં સત્સંગ માટે એક મકાન લેવાનો વિચાર આવ્યો, જે અંતર્ગત 1979માં એક નાનું મકાન શોધવાની શરૂ કરી અને 1984માં અમે તેને ખરીદ્યું. આ સમયે અમારી પાસે કોઈ રિઝર્વ ફંડ પણ નહોતું, અંતે હંસરાજભાઈએ પોતાનું મકાન પર મોર્ગેજ લોન લઈને મકાનની ખરીદી કરી. જો કે મકાનનું કામ શરૂ થતાં અમને આપણા જ લોકો દ્વારા સારું ફંડ મળતું થયું અને અમે દોઢ વર્ષમાં જ સમગ્ર દેવું ભરપાઈ કરી દીધું. તે સમયના 150 સભ્યની સંખ્યા આજે 680 થઈ ગઈ છે.
સંસ્થામાં સભ્યોની સંખ્યા વધતાં 1984માં ખરીદેલું મકાન અમને 1994માં નાનું પડવા લાગ્યું હતું. અનેક મુસીબતો બાદ અમને આ ચાર માળનું અને 40 ગાડીનું પાર્કિંગ ધરાવતું આ મકાન 2011માં મળ્યું. તમને માન્યામાં નહીં આવે કે આ મકાનનો ભાવ માલિકે 35 લાખ પાઉન્ડ રાખ્યો હતો, જો કે તેણે અમારી પ્રવૃત્તિઓને જોતાં છેલ્લે 1 મિલિયન 25 થાઉઝન્ડ પાઉન્ડમાં જ આપી દીધું. અમે જે કોઈ પૈસા ઉધાર લીધા હતા, તે 8 વર્ષમાં ચૂકતે કરી દીધા અને હાલમાં આ મકાન પર કોઈ ચાર્જ રહ્યો નથી.
અમિત પટેલે જણાવ્યું કે, હું મંદિરમાં જ ઉછર્યો છું અને વોલેન્ટિયર તરીકે સેવા આપું છું. મંદિર આપણા સમાજના યુવાનોમાં ધર્મ અને સંસ્કારને જાળવી રાખે છે. મંદિરના વિશાળ હોલને હિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યાં અઠવાડિક શાખાના કાર્યક્રમ થાય છે, જેમાં પણ હું કાર્યવાહક કરીકે સેવા આપું છું. શાખા એક માર્ગ છે, જે હિન્દુ કોમ્યુનિટીને એકબીજાની સાથે સંપથી રહેતાં શીખવે છે. અહીં અમે આપણા દેશ ભારત, સનાતન ધર્મ, સંસ્કાર અને તેનાં મૂલ્યો, સંગઠન અને સેવાના પાઠ ભણીએ છીએ.
વિમળાબહેન પટેલે વાતને આગળ વધારતાં કહ્યું કે, કાર્ડિફમાં કોઈ નવું આવ્યું હોવાની જાણ થતાં જ સીધા તેની પાસે પહોંચી તેની જરૂરિયાત અંગે પૂછપરછ કરે છે. વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે પણ આ સેવા અપાય છે. અમને ઇન્ડિયા અને આફ્રિકાથી આ અંગે વાલીઓના ફોન આવે છે અને તેને બનતી મદદની માગણી કરવામાં આવે છે. આ તમામ સગવડ અમારા સભ્યો કરી આપે છે. વિક્રમ વર્માને અહીં કાયમી વિઝા જોઈતા હતા અને પાસપોર્ટ સલવાઈ ગયો હોવાથી બે વર્ષ સુધી કામ પણ કરી શકતા નહોતા. તેમના માટે અમે એમપીને આ અંગેની જાણ કરતાં જ તેમણે હોમ ઓફિસમાં પત્ર લખ્યો અને વિક્રમભાઈનો અઠવાડિયામાં જ પાસપોર્ટ આવી ગયો અને તેમને રહેવાની જગ્યા અને કામ પણ મળી ગયું.
કાર્ડિફમાં સનાતન ધર્મ મંડળ દ્વારા ચાલતાં વિવિધ કાર્યો અંગે ઉત્સુકતા દાખવી જગદીશભાઈ દવેએ પૂછયું કે, શું ત્યાં ગુજરાતીના વર્ગો ચાલે છે? જેનો જવાબ આપતાં સુધાબહેન ભટ્ટે કહ્યું કે, અમે ગુજરાતીના ક્લાસ ઓન એન્ડ ઓફ લાઇન રન કરીએ છીએ. એક સમયે અમારા ખૂબ મોટા ક્લાસ ચાલતા હતા, પરંતુ કોવિડ દરમિયાન અમે ઝૂમ દ્વારા કરતા હતા. હાલમાં તે બંધ થયા છે, જે ટૂંક સમયમાં શરૂ થશે.
હરિભાઈ પટેલે કહ્યું કે, કાર્ડિફમાં મોટી યુનિવર્સિટી છે, જ્યાં 3 હજારથી 3500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સપ્ટેમ્બરમાં નોરતાં શરૂ થતાં જ તેઓ આવે છે. અહીં પગ મૂકતાં જ તેમને લાગે છે કે આ તેમનું ઘર જ છે અને આપણે તેમને એ વાતાવરણ આપીએ પણ છીએ. ત્યાં સુધી કે અહીંના સારા અનુભવોના ફોટો પાડી તેઓ તેમનાં માતા-પિતાને પણ મોકલે છે. માતા-પિતા ભારતથી ફોન કરીને તેમના સંતાનના આવવાની અને તેમને મદદરૂપ થવાની અપીલ પણ કરે છે.
રશ્મિબહેન અમીને કાર્ડિફ મંદિર અંગે કહ્યું કે, કાર્ડિફ મંદિરનો હરિભાઈ પટેલે કરેલો વિકાસ અદ્વિતીય છે. ફિઝિકલી તો મદદ કરી જ છે, ફાઇનાન્સિયલી પણ કરી છે. કોઈપણ જાતની આશા વિના આટલું ભવ્ય મંદિર તૈયાર કરાવ્યું અને સમાજને સોંપ્યું તે બદલ આપનો ખૂબખૂબ આભાર. મને વિશ્વાસ છે કે અહીં આવતા
તમામ લોકો તમને આજીવન યાદ કરશે. ભગવાનની તમારા પર અસીમ કૃપા છે.