શાંતિ માટેના નરેન્દ્ર મોદીના પ્રયાસો રંગ લાવશે ખરાં..?

Wednesday 28th August 2024 06:01 EDT
 

સતત ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા વિદેશ પ્રવાસમાં રશિયાની મુલાકાત લેવાનું પસંદ કર્યું. જેના પગલે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સાથ આપી રહેલા ઘણા પશ્ચિમી દેશોના ભવાં ખેંચાયા હતા.  મોસ્કોની મુલાકાતના 6 સપ્તાહ બાદ નરેન્દ્ર મોદીએ યુક્રેનની મુલાકાત લીધી. જેને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક સ્થિતિમાં ભારતનું વલણ સંતુલિત કરવાના નવી દિલ્હીના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. શું ખરેખર મોદીની યુક્રેન મુલાકાત ભારતના વલણને જીઓપોલિટિકલ પરિપેક્ષ્યમાં સંતુલિત કરી શકે તેમ છે કે કેમ તે સવાલ મહત્વનો બની રહ્યો છે. 2022માં રશિયના યુક્રેન પર આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા લદાયેલા આર્થિક પ્રતિબંધો છતાં નવી દિલ્હીએ રશિયા સાથેનો વેપાર જારી રાખ્યો હતો. રશિયાની સસ્તા ભાવે ક્રુડ આપવાની પેશકશ ભારત માટે મોટા લાભ સમાન પૂરવાર થઇ હતી અને છેલ્લા બે વર્ષથી ભારત દ્વારા રશિયા પાસેથી મોટા જથ્થામાં ક્રુડની ખરીદી કરવામાં આવી રહી છે. ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી દાયકાઓ જૂની છે અને રશિયા હરહંમેશ દરેક સંજોગમાં ભારતની પડખે ઊભો રહેતો આવ્યો છે. તેથી જ ભારતે અત્યાર સુધી સંયુક્ત રાષ્ટમાં રજૂ થતા રશિયા વિરોધી એકપણ પ્રસ્તાવને સમર્થન આપવાથી દૂર રહેવાનું જ મુનાસિબ માન્યું છે. જો ભારત રશિયાની આટલો નજીક છે તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેનની મુલાકાતે જવાની કેમ જરૂર પડી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિમાં ઘણા બદલાવ આવ્યા છે. નવી દિલ્હીએ રશિયાની સાથે સાથે યુરોપ અને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો સાથેના સંબંધોમાં સંતુલન જાળવી રાખવામાં મહત્વની સફળતા હાંસલ કરી છે. મોદીએ રશિયાની અને હવે યુક્રેનની મુલાકાતમાં શાંતિની સ્થાપનાની જ અપીલ કરી છે. ભારત કોઇના નહીં પરંતુ શાંતિના પક્ષમાં છે તેવા નિવેદન દ્વારા મોદીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત યુદ્ધનું સમર્થન કરતો નથી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી દ્વારા મોદીની મુલાકાત બાદ અપાયેલા નિવેદનોમાં ભારત પર રશિયા સાથેના વેપાર અને સંબંધો મુદ્દે દબાણ સર્જવામાં આવ્યું છે પરંતુ ભારતે વિશ્વને સ્પષ્ટ સંદેશ પાઠવ્યો છે કે અમે શાંતિના હિમાયતી છીએ પરંતુ અમારા રાષ્ટ્રીય હિતોની વાત આવશે ત્યારે અમે કોઇ દબાણને વશ થઇશું નહીં.


comments powered by Disqus