રાજ્યમાં શ્રાવણી તહેવારોની ઉજવણી વચ્ચે શ્રાવણી સરવડાએ લોકોની મજાને કંઈક અંશે બગાડી છે. શુક્રવાર 23 ઓગસ્ટ અને શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જ્યારે રવિવારથી સમગ્ર રાજ્યમાં વરસાદી મહોલ સર્જાયો હતો. ભારે વરસાદથી રાજ્યનાં અનેક ગામ સંપર્કવિહોણાં બનવાની સાથે અનેક લોકો ફસાઈ ગયા હતા. જેમના માટે સરકાર દ્વારા સ્થળાંતર અને રેસ્ક્યૂ કામગીરી કરાઈ હતી. પંચમહાલમાં સૌથી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, તેમજ વડોદરા અને જામનગરમાં પણ એરફોર્સની મદદથી લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તેમજ 1696 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે દીવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા ઝાડ પડવાની દુર્ઘટનામાં કુલ 7 વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. જન્માષ્ટમીએ એક જ દિવસમાં સિઝનનો 11 ટકા જેટલો વરસાદ ખાબકી જતાં રાજ્યમાં ચાલુ સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે રાજ્યના 34 સ્ટેટ હાઇવે સહિત 636 રસ્તાઓ બંધ થયા છે. રાજ્યમાં વરસાદના કારણે 3 દિવસમાં 15નાં મોત થયાં છે, તો 23 હજારથી વધુનું સ્થળાંતર કરાયું છે.
ઉત્તર ગુજરાત
રવિવાર 25 ઓગસ્ટથી મંગળવાર સુધીના અવિરત વરસાદથી મહેસાણા અને ઊંઝામાં ભારે પાણી ભરાયું હતું. ઊંઝામાં ઉમિયા માતાજી મંદિર નજીક આવેલા ચોકમાં પાણી નદીની માફક વહ્યું હતું. પાણીના આ વહેણમાં મંદિર પાસે પાર્ક કરેલી રિક્ષા તણાઈ હતી. ચાણસ્માના રણાસણ ગામે આવેલું તળાવ ત્રણ દિવસથી પડતા વરસાદના કારણે ઓવરફ્લો થતાં પાણી ગામમાં ઘૂસી ગયું હતું. તો પાટણના હારિજમાં ધોધમાર વરસાદથી અનેક સ્થળે પાણી ભરાતાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયું હતું.
મધ્ય ગુજરાત
રવિવારથી સતત વરસાદના પગલે મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે 4 જિલ્લાનાં 569 ગામોમાં વીજપુરવઠો પ્રભાવિત થયો હતો. ભારે વરસાદને કારણે સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત નડિયાદના મહિસા ગામે ડેમછા તળાવ અને આસપાસનું પાણી ભરાઈ જતાં 42 લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યૂ કરાયું હતું. આણંદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદથી તારાજી સર્જાઈ હતી, જેમાં બોરસદથી જંબુસર હાઇવે પાણીમાં ગરકાવ થયો હતો. તો ભાદરણ ગામના પ્રવેશદ્વાર સહિત ગામમાં પાણી ભરાયાં હતાં.
દક્ષિણ ગુજરાત
શુક્રવારથી સતત વરસી રહેલા વરસાદથી વલસાડના અનેક રસ્તાઓ અને લોકોનાં ઘરમાં પણ પાણી ભરાઈ ગયાં છે. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા અને ઔરંગા નદીનું પાણી ફરી વળતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 26 ફૂટને પાર પહોંચી જતાં અંકલેશ્વરના નદીકિનારાનાં 3 ગામ સરફુદ્દીન, ખાલપીયા અને જૂના કાંસિયા ગામના લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર
રવિવારથી સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર, જામનગર, ચોટીલા, ગઢડા, જૂનાગઢ, રાજકોટ અને અમરેલીના અનેક વિસ્તારમાં પાણી ભરાતાં ઘણા હાઇવે પણ બંધ કરવા પડ્યા હતા. જેમાં સુરેન્દ્રનગરના ખારાઘોડાથી પાટડી તરફ જતો રસ્તો પણ બંધ કરવો પડ્યો હતો, તો ચોટીલાથી હબીયાસર તરફ જતો પુલ ધડાકાભેર તૂટી ગયો હતો. ગઢડાના ખીજડિયા ગામે કાળુભાર નદીમાં આવેલા ઘોડાપૂરમાં પુલ પરથી કાર તણાઈ હતી, જેમાંથી ગ્રામજનો દ્વારા 8 લોકોને બચાવી લેવાયા હતા. જામનગરની રંગમતી નદીનું પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું હતું, તો રણજિતસાગર રોડ પરની સોસાયટીમાં કેડસમાં પાણી ભરાયાં હતાં, જ્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જામનગરમાં ભારે વરસાદના પગલે દરેડ પાસે આવેલું ખોડિયાર મંદિર નદીના પાણીમાં જળમગ્ન બન્યું હતું. કાલાવડમાં નદીમાં ફસાયેલા વૃદ્ધાનુું ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું.
કચ્છ
અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતાં ગુજરાતના દરિયાકાંઠા પર ઊંચાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં. તેમાં પણ કચ્છ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વાવાઝોડું આવવાની હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એલર્ટ બન્યું છે. મોરબીનો મચ્છુડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જે પાણી સામખિયારી-અમદાવાદ હાઇવે પર, હરિપર ખીરઈ-માળિયા મિયાણા રોડ પર ફળી વળ્યું હતું, જેથી હાઈવેને બંધ કરી ડાઇવર્ઝન અપાયું હતું.