વડોદરાઃ ગોરવા વિસ્તારમાં વાજતેગાજતે લઈ જવાતી શ્રીજીની પ્રતિમાની યાત્રા દરમિયાન કાંકરીચાળો થતાં નાસભાગ મચી હતી. એક તબક્કે આગમનયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વાત ફેલાતાં ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. જો કે પોલીસે બળપ્રયોગ કરી ગણતરીની મિનિટોમાં જ સ્થિતિ કાબૂમાં લેતાં બનાવના કોઈ પ્રત્યાઘાત પડ્યા નહોતા. ઉંડેરા કરોડિયા રોડ વિસ્તારના યંગસ્ટર સર્કલ દ્વારા ગોરવા વિસ્તારથી શ્રીજીની આગમનયાત્રા લઈ જવાતી હતી, જે દરમિયાન મધુનગર ચાર રસ્તા પાસે કાંકરીચાળો થતાં અફવાનું બજાર ગરમ થયું હતું.