ભુજઃ ઐતિહાસિક સ્મારકો અને પુરાતન અવશેષોના કારણે વિશ્વના નકશામાં અલગ છાપ ઊભી કરનારા કચ્છમાં વધુ એક સંશોધન થયું છે. ઓરિસ્સાના રૂડકી IIT ના બે સંશોધકોએ કચ્છના લખપત તાલુકાના પાન્ધ્રોમાં આવેલી લિગ્નાઇટની ખાણમાંથી વાસુકી નાગના અવશેષો શોધી કાઢ્યા હતા.
રૂડકી આઇઆઇટીના પેલિઓન્ટોલોજિસ્ટ ડોક્ટરે સાયન્સ જર્નલ ‘સાયન્ટિફિક રિપોર્ટ્સ’માં જણાવ્યું હતું કે, પાન્ધ્રો લિગ્લાઇટની ખાણમાંથી વાસુકી નાગના 27 કંકાલ અવશેષના અશ્મિ મળ્યા હતા. તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા બાદ તારણ નીકળ્યું કે, આ અવશેષો અંદાજિત 4.7 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર વસવાટ કરતા મહાકાય વાસુકી નાગના જ છે. વાસુકી નાગ અંદાજિત 15 મીટર અથવા 49 ફૂટ લાંબો હશે તથા તેનું વજન 1 હજાર કિલો હોવું જોઈએ.
વાસુકી ઇન્ડિક્સ નામ અપાયું
અવશેષોના આધારે સાપની નવી પ્રજાતિને ‘વાસુકી ઇન્ડિકસ’ નામ અપાયું છે. વાસુકી સાપ હિન્દુ ધર્મના ભગવાન શિવના ગળામાં જોવા મળતા પૌરાણિક સાપનું નામ છે અને ઇન્ડિક્સ એટલે ભારત તેની શોધનો દેશ દર્શાવે છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે, નવી પ્રજાતિની લંબાઈ 10.9 અને 15.2 મીટરની વચ્ચે હોઈ શકે છેે. જો કે વાસુકીના માથાના અશ્મિ મળ્યા નથી
સૌથી મોટું અશ્મિ દોઢ ફૂટ પહોળું
2009માં કોલંબિયાની કોલસાની ખાણમાં વાસુકીના પૂર્વજ ટાઇટનો બોઆના અવશેષો મળ્યા હતા. જે 13 મીટર લાંબો, 60 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર જોવા મળતો હતો. પાન્ધ્રોથી મળેલા અવશેષો તેમજ કોલંબિયાથી મળેલા અવશેષોની તુલના કરતાં સૌથી મોટું અશ્મિ 17 ઇંચ પહોંળું છે.