મહેસાણાઃ કડી તાલુકાના કૈયલ ગામે વેરાઈ માતાજીના મંદિરમાં શનિવારે લાગેલી આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કડી પાલિકાના ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ વેરાઈ માતાજીના મંદિરે છ માસ બાદ રજત જયંતી મહોત્સવ યોજાવાનો હોઈ રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. ગામના લોકો મોટી સંખ્યામાં વિદેશમાં વસવાટ કરે છે અને વેરાઈ માતાજી પર અતૂટ શ્રદ્ધા રાખે છે. શનિવારે અગમ્ય કારણોસર મંદિરની આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર મંદિર આગની ઝપટમાં આવી ગયું હતું. સદનસીબે ઘટના સમયે મંદિરમાં કારીગરો કે શ્રમિકો હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.