બેંગલૂરુઃ જેડીએસના સાંસદ પ્રજ્વલના સેક્સ કૌભાંડે કર્ણાટકમાં રાજકીય ભૂકંપ સર્જ્યો છે. હાસનના સાંસદ પ્રજ્વલના સેક્સ કૌભાંડના સ્વરૂપમાં કોંગ્રેસના હાથમાં મોટું રાજકીય શસ્ત્ર આવી ગયું છે જ્યારે ભાજપ-જેડીએસની યુતિએ આ મુદ્દા પર બેકફૂટ પર જવાની ફરજ પડી છે.
કર્ણાટકમાં હજી પણ 17 બેઠકોની ચૂંટણી બાકી છે ત્યારે આ સેક્સ કૌભાંડ ભાજપની 400 પારની મહત્ત્વાકાંક્ષા પર લગામ લગાવી શકે છે. કર્ણાટકમાં કોંગ્રેસે પ્રજ્વલના સેક્સ કૌભાંડ સામે રણશિંગુ ફૂંકી દીધું છે અને મેદાનમાં ઉતરીને તેની ધરપકડની માગ કરી છે. કોંગ્રેસે સોમવારે સમગ્ર કર્ણાટકમાં પ્રજ્વલ સામે પ્રદર્શનો યોજ્યાં હતાં અને તેની ધરપકડની માગ કરી હતી, જેમાં મોટાપાયા પર મહિલાઓ જોડાઈ હતી.
પ્રજ્વલ એનડીએનો હાસન ખાતેનો ઉમેદવાર છે અને ત્યાં 26 એપ્રિલે મતદાન થઈ ચૂક્યું છે. પણ મતદાન થયા પછી જાતીય શોષણના કૌભાંડમાં સંડોવણીનો તેનો વીડિયો જાહેરમાં આવ્યા પછી તે વિદેશ ભાગી ગયો હોવાનું કહેવાય છે.
ભાગવામાં ભાજપે મદદ કરી: કોંગ્રેસ
કર્ણાટકમાં હાસન ખાતે જેડી (એસ)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાએ અનેક મહિલાઓનું જાતીય શોષણ કર્યાના વીડિયો ફેલાયા પછી તેની સામે કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. તેની વીડિયો ક્લિપ 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થયાના દિવસ પછી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. કોંગ્રેસે આ મુદ્દે પ્રજ્વલને સમર્થન આપવા બદલ ભાજપની ઝાટકણી કાઢી છે વિદેશ ભાગી જવામાં મદદ કરી હોવાનો આરોપ મૂક્યો છે.
સૌથી મોટું સેક્સ સ્કેન્ડલઃ મહિલા આયોગ
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો પરિવાર રાજ્યના સૌથી મોટા સેક્સ સ્કેન્ડલમાં સપડાયો છે. દેવગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ઘરકામ કરતી મહિલાએ જાતીય સતામણી બદલ એફઆઈઆર કરાવી છે. મહિલા આયોગના ચેરપર્સન નાગલક્ષ્મી ચૌધરીએ તેને રાજ્યનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, મને જણાવવામાં આવ્યું છે કે પેન ડ્રાઇવમાં જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓના સેંકડો વીડિયો છે.