ટોરોન્ટોઃ કેનેડાના ટોરોન્ટો શહેરમાં આયોજિત ખાલસા દિવસ સમારોહમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને વિરોધપક્ષના નેતા પિયરે પોઇલીવરની ઉપસ્થિતિમાં જ ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર થયો હતો. કેનેડામાં એન્ટિ ઇન્ડિયા સેન્ટિમેન્ટની આ નવી તસવીર છે. કેનેડાના સ્થાનિક ટીવી દ્વારા જાહેર વીડિયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન ટ્રુડો સમારંભને સંબોધવા મંચ પર પહોંચતાં જ મોટા સ્વરે ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા.
આ સમયે એનડીપી નેતા જગમિતસિંહ અને ટોરોન્ટોના મેયર ઓલિવિયા ચાઉ પણ હાજર હતાં. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શીખ સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે, સરકાર કોઈપણ કિંમતે તેમના અધિકારો અને સ્વતંત્રતાનું રક્ષણ કરવા હાજર છે. વિવિધતા કેનેડાની સૌથી મોટી શક્તિ છે. દેશ મતભેદો હોવા છતાં પણ મજબૂત છે. દરમિયાનમાં ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દિલ્હી ખાતેના કેનેડાના ડેપ્યુટી હાઇ કમિશનરને બોલાવી વિરોધ નોંધાવ્યો છે.