દહેરાદૂનઃ ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસીનાં લગભગ 14 ઉત્પાદનોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધાં છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા સોમવારે સાંજે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં આ માહિતી આપવામાં આવી છે.
ઉત્તરાખંડ સરકારની લાઇસન્સિંગ ઓથોરિટીએ પણ સોમવારે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, પતંજલિ આયુર્વેદનાં ઉત્પાદનો વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાને કારણે કંપનીનું લાઇસન્સ અટકાવી દેવાયું છે.
દિવ્યા ફાર્મસી પતંજલિ પ્રોડક્ટ્સને મેન્યુફેક્ચરિંગ કરે છે. રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીએ બાબાની ફર્મને કફ, બ્લડ પ્રેશર, સુગર, લીવર, ગોઇટર અને આંખનાં ટીપાં માટે વપરાતી 14 દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ તમામ જિલ્લા ડ્રગ ઇન્સ્પેક્ટરને પણ મોકલ્યો છે, જેથી ઉત્પાદન અને વેચાણ અટકાવી શકાય.
કયાં લાઈસન્સ રદ
ઉત્તરાખંડ સરકારે શ્વાસારિ ગોલ્ડ, બીપી ગ્રિટ, શ્વાસારિ વટી, મધુગ્રિત, શ્વાસારિ પ્રવાહી, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, શ્વાસારિ અવલેહ, લિવામૃત એડવાન્સ, બ્રોન્કોમ, લિવોગ્રિટ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, આઈગ્રિટ ગોલ્ડ, પતંજલિ દૃષ્ટિ આઇ ડ્રોપનાં ઉત્પાદન પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
આ ઉપરાંક સુપ્રીમ કોર્ટે તાજેતરમાં રામદેવની પતંજલિ આયુર્વેદની કેટલીક પ્રોડક્ટ્સની ગેરમાર્ગે દોરતી જાહેરાતોને રોકવા માટેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેમની વારંવાર ટીકા કરી છે.