ભુજઃ માંડવીમાં વાલ્મીકિ સમાજનાં સમૂહ લગ્નોત્સવમાં 7 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ અવસસરે જૈન સમાજના સાધુએ લગ્નમાં હાજરી આપી યુગલોને આશીર્વાદ આપવાની અનોખી પહેલ કરી હતી. ભારતભરમાં સૌપ્રથમ વખત આવો બનાવ બન્યો હતો. જૈનસમાજમાં સાંસારિક મોહમાયા ત્યજી સંયમનો માર્ગ અપનાવાતો હોય છે. પોતાના સંબંધ, ધન, મિલકત અને શોખનો ત્યાગ કરી દીક્ષાર્થીઓ ધર્મના પંથે આગળ વધે છે. એ સત્ય હકીકત વચ્ચે માંડવી તાલુકાના કોડાય કાશીનગરીના સંત વિદ્યાચંદ્રજી મહારાજ સાહેબે શ્રાવકો સાથે વાલ્મીકિ સમાજનાં સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા, તેમજ દાતાના સહયોગથી રૂ. 51 હજારનું અનુદાન આપી પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો હતો. વાલ્મીકિ સમાજના અગ્રણીઓ દ્વારા આગ્રહભરી અરજ કરાતાં તેમની લાગણીને ન્યાય આપવા તેમણે હાજરી આપી હતી.