વડોદરાઃ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે મધ્ય ગુજરાતની બેઠકો પર ભારે ઊઠાપટકના કારણે દિલ્હી હાઇકમાન્ડ પણ સતત સતર્ક અવસ્થામાં દેખાયું છે. ઉલ્લેખનીય છે કે આણંદ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ સિવાય ભાજપ માટે વડોદરા અને કોંગ્રેસ માટે ભરૂચ બેઠક માથાના દુખાવારૂપ સાબિત થઈ છે.
આણંદઃ આ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભામાં બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા અને ખંભાતનો સમાવેશ થાય છે. આંકલાવ સિવાય તમામ બેઠકો પર હાલમાં ભાજપનો કબજો છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા અહીંથી કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે ભાજપના ઉમેદવાર છેલ્લી બે ટર્મથી લોકસભાની ચૂંટણી જીતનારા મિતેશ પટેલ છે. ઉલ્લેખનીય છે કે, આણંદ બેઠક પર કુલ 17.80 લાખ મતદારો પૈકી 11.70 લાખ મતદારો એટલે કે 62 ટકા યુવા મતદારો ધરાવે છે, જે લગભગ ભાજપ તરફી ઝોક ધરાવે છે.
ભરૂચઃ મધ્ય ગુજરાતની 4 બેઠક પૈકી ભરૂચ ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક પર આપે બેઠક પર આપે ચૈતર વસાવાની જાહેરાત કરી મનસુખ વસાવાની ઉમેદવારીનો માર્ગ સરળ કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, ભાજપ અને આપ સિવાય આ બેઠક પર છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ભારતીય આદીવાસી પાર્ટી પણ મેદાનમાં આવી છે, આમ ભરૂચ બેઠક પર ત્રિકોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે. પહેલેથી જ કોંગ્રેસ તરફી ગણાતી ભરૂચ બેઠક પર કોંગ્રેસે પોતે ન ઉતરી આપને પ્રાધાન્ય આપતાં કોંગ્રેસના મત કપાઈ શકે છે.
વડોદરાઃ વડોદરા બેઠક પર ત્રીજી વખત રંજનબહેન ભટ્ટને ટિકિટ અપાતાં ભાજપમાં આંતરિક વિરોધ શરૂ થતાં અંતે મૂળ વડોદરાના નહીં તેવા ડો. હેમાંગ જોષીને ટિકિટ અપાવા છતાં કાર્યકરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે પાદરાના જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી તો શહેર કોંગ્રેસના કાર્યકરોમાં પણ છૂપો રોષ દેખાયો હતો.
પંચમહાલઃ બેઠકમાં પંચમહાલ અને મહીસાગર બે જિલ્લા આવે છે. ભાજપે રતનસિંહ રાઠોડની જગ્યાએ આ બેઠક પરથી રાજપાલસિંહ જાધવને ઉતાર્યા છે, ત્યારે તેમને સિનિયર નેતાઓની કેટલી મદદ મળે તે જોવું રહ્યું. જ્યારે કોંગ્રેસે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર ઓબીસી મતદારોનું વર્ચસ્વ છે.
દાહોદઃ ભાજપે આ વખતે જસવંતસિંહ ભાભોરને રિપીટ કર્યા છે. તો સામે કોંગ્રેસે પ્રભાબહેન તાવિયાડને ટિકિટ આપી છે. દાહોદ લોકસભામાં અંદાજિત કુલ 18.70 લાખ મતદારોમાં સૌથી વધુ 13 લાખ મતદારો આદિવાસી છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી કોંગ્રેસ-ભાજપ બંનેના ઉમેદવાર આદિવાસી જ્ઞાતિના છેે.
છોટાઉદેપુરઃ બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ ગીતાબહેન રાઠવાની બાદબાકી કરી જશુ રાઠવાને ટિકિટ આપી છે, જેથી શિસ્તના નામે મૌન રહેનારા ભાજપના કાર્યકરો આજેપણ નિષ્ક્રિય હોવાનું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસે માજી ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા સુખરામ રાઠવાને મેદાનમાં ઉતારતાં અહીં જંગ કઠિન બન્યો છે.