મહિલા આરોગ્ય, વૃદ્ધત્વ અને એકલતા દૂર કરવાની માર્ગદર્શક ‘સોનેરી સંગત’

બાદલ લખલાણી Wednesday 01st May 2024 06:26 EDT
 
 

ગુજરાત સમાચારનો ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ ધાર્મિક, આધ્યાત્મિક અને અનેક વિષયો પર ચર્ચા કરતો આવ્યો છે અને લોકોને માર્ગદર્શક સાબિત થતો આવ્યો છે. આ જ પ્રકારે 26 એપ્રિલે યોજાયેલો ‘સોનેરી સંગત’નો કાર્યક્રમ મહિલા આરોગ્યને પ્રાધાન્ય આપતો બની રહ્યો. જેમાં મહિલાઓ અને વૃદ્ધત્વને લગતી સમસ્યાઓ અંગે નિષ્ણાત ડો. જયશ્રીબહેન મહેતા દ્વારા ગહન ચર્ચા કરવામાં આવી.
આ કાર્યક્રમમાં લોર્ડ ભીખુભાઈ પારેખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યોત્સનાબહેન શાહે કાર્યક્રમનું સંચાલન કરતાં હાજર તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જ્યોત્સનાબહેને આ અંગે જણાવ્યું કે, સામાન્ય રીતે ભારતીય મહિલાઓ બાળકોના ઉછેરમાં અને કુટુંબની સેવામાં પોતાનો સમય એટલો સમર્પિત કરી દે છે કે પોતાના આરોગ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી દાખવે છે. જુવાનીના જુસ્સામાં ભજવેલી આ ભૂમિકા ઉંમર વધતાં અનેક સમસ્યાઓનું ઘર બની જાય છે, જે માત્ર શારીરિક જ નહીં માનસિક અને પારિવારિક પણ હોય છે. આવી જ સમસ્યાઓને દૂર કરવાના ઉપાયો સાથે આપણી સાથે હાજર છે 80 વર્ષીય નિષ્ણાત ડો. જયશ્રીબહેન મહેતા.
વડોદરાસ્થિત ડો. જયશ્રીબહેન મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બન્યાં હતાં. એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને હેડ સર્જન હતાં. તેમને મળેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ તેમના અનુભવ અને શૈક્ષણિક કારકિર્દીને દર્શાવે છે. તેઓ સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર રહી ચૂક્યા છે અને હાલ પણ તેઓ અનેક સંસ્થાઓને પોતાની સેવા આપી રહ્યાં છે. તેમના વ્યક્તિત્વની પ્રસ્તાવના બાદ જ્યોત્સનાબહેન દ્વારા તેમને મહિલા સ્વાસ્થ્ય અંગેના સવાલ પૂછાયા હતા.
• બહેનોને જ્યારે મેનોપોઝ આવે છે અનેક માનસિક-શારીરિક દુઃખનો સામનો કરવો પડે છે, જેના માટે બહેનોએ શું-શું ધ્યાન રાખવું જોઈએ?
ડો. જયશ્રીબહેને મહિલાઓના મેનોપોઝમાં તેમને થતી માનસિક અને શારીરિક પીડા અંગે જણાવ્યું કે, સ્ત્રીઓના શરીરમાં જ્યારે હોર્મોનલ ચેન્જીસ ચાલુ થાય ત્યારે તેને મેનોપોઝ કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે 48થી 51 વર્ષની ઉંમરે થાય છે. મેનોપોઝ શરૂ થતાં અને પૂર્ણ થતાં ખૂબ માનસિક પીડા થાય છે, કારણ કે હોર્મોન્સના ફેરફારથી શારીરિક, માનસિક ફેરફાર પણ થતા હોય છે. આ પ્રક્રિયાથી મહિલામાં પહેલા એરોગન્સ, ગુસ્સો અને વધુ પડતો ખોરાક લેવો જેવાં લક્ષણ દેખાય છે. શારીરિક તમે જાડા થઈ જાઓ છો, કારણ કે હોર્મોન્સ બેલેન્સ ન રહેતાં થાઇરોઇડ ઓછું થતાં વજન વધે છે. જો કે સૌથી મોટો ફેરફાર માનસિક થાય છે. તમારું કોઈ ધ્યાન નથી રાખતું જેવા વિચારો સાથે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એટલું ખરાબ થાય છે કે ઘણી વઘત સાઇકિયાટ્રિસ્ટની પણ મદદ લેવી પડતી હોય છે. આ તબક્કામાં ગંભીર ડિપ્રેશન, ઊંઘ ન આવવી જેવાં લક્ષણો પણ દેખાય છે. વૃદ્ધત્વ તરફ જતા પહેલાં જ બાળકો તમારી સંભાળ ન લેતા હોય તેવી લાગણીઓ જન્મે છે.
આ બધામાંથી બહાર નીકળવું હોય તો સર્વપ્રથમ તમારી જાત સાથે જીવતા શીખો, રેગ્યુલર રૂટિન બનાવો અને બને તેટલું કોઈપણ કામમાં વ્યસ્ત રહેવું. તમે જેટલા વ્યસ્ત રહેશો તેટલો મેનોપોઝનો પ્રભાવ ઓછો થશે. ખોરાકમાં ઓછી ચરબી, વધારે ફાઇબર અને વેજિટેબલનું ડાયેટ નક્કી કરો. આ સિવાય કસરત પણ ખૂબ જરૂરી છે. મેનોપોઝ પહેલાં પિરિયડ્સ અનિયમિત થઈ જાય છે, વર્જાઇના ડ્રાય થવી, રાત્રે ઊંઘમાં ડર લાગવો, રાત્રે ઊંઘમાં ખૂબ પરસેવો થવો, ઊંઘમાં સતત વિક્ષેપ, સેક્સની ઇચ્છાઓ એકદમ ઓછી થઈ જાય છે. આ તબક્કામાં મહિલાઓમાં મૂડ ચેન્જીસ પણ જોવા મળે છે. એક પળમાં ખૂબ ખુશ હોવા છતાં બીજી જ સેકન્ડમાં મહિલા ખૂબ ઉદાસ થઈ જાય છે. આ દરમિયાન પતિ-પત્નીએ એકબીજાને સમજવાં જોઈએ. આ કારણોને ન સમજવાથી ઘણાં પરિવારો વેરવિખેર થઈ જતા હોય છે.
• ડિમેન્શિયા માટે કઈ રીતે કાળજી રાખી શકાય?
ડિમેન્શિયા અંગે ડો. જયશ્રીબહેને જણાવ્યું કે, જૂના જમાનાથી કહેવત છે કે, ‘સાંઠે બુદ્ધિ નાઠે’. એટલે કે ઉંમરની સાથેસાથે સ્મરણ શક્તિમાં ફરક તો પડે જ છે, પરંતુ તેને આપણે ડિમેન્શિયા નથી કહેતા. જો કે આ ફરક વધારે થતાં ગઈકાલની વાત યાદ ન આવે પણ નાનપણ સુધીની યાદ આવે તેને ડિમેન્શિયા કહેવામાં આવે છે. જેમ સી.બી. પટેલે પોતાના મગજને સતત કાર્યરત્ રાખી ડિમેન્શિયાને દૂર ભગાડ્યું છે, બસ આમ જ ડિમેન્શિયાને દૂર ભગાડી શકાય છે. તમારી જાતને સતત કાર્યરત્ રાખવી પડે. કાલનો વિચાર કરીને દુઃખી થવું નહીં, કારણ કે તમામને આવતીકાલથી પસાર થવાનું જ છે.
ડિમેન્શિયામાં વેસલ્સમાં તાઉ પ્રોટિન જમા થાય છે તેને લીધે ડિમેન્શિયા થાય છે તેવું કહેવાય છે. જો કે આ અલ્ઝાઇમરનો એક પ્રકાર જ છે. કેટલાક કિસ્સામાં સામાન્ય પ્રોટિન એકઠું થાય છે, કેટલાક કિસ્સામાં તાઉ પ્રોટિન ભેગું થાય છે, જેને લીધે ડિમેન્શિયા થાય છે. આ માટે કેટલીક દવા છે, જેનાથી ડિમેન્શિયા મટતો નથી, પરંતુ તેને વધતું થોડે અંશે અટકાવે છે. ડિમેન્શિયાને ઘટાડવું હોય અથવા થવાથી રોકવું હોય તો કોઈપણ નવી ભાષા, નવું કામ, જૂનો કે નવો શોખ શરૂ કરો, નવા કે જૂના માણસોને મળતા રહો અને ખાસ શારીરિક-માનસિક કસરત શરૂ કરો. ઉંમર વધે તેમ મસલ્સને થોડા ચલાવવા જ પડે, નહીં તો આ અસર વધતી જશે અને તમે તમારી ક્ષમતા ગુમાવશો. એટલે કે એ તમારા જીવનનો ભાગ છે, પરંતુ તમે તમારી જાતને સતત વ્યસ્ત રાખશો તો તેનાથી દૂર રહેશો.
એકલતા એક મોટી સમસ્યા
એકલતાનો અર્થ કોરોનાએ આપણને ખાસ સમજાવ્યો છે. એકલતા તમને વિચાર વગરના અને શૂન્યમનસ્ક કરી દે છે. એકલતાને ભગાવવા માટે કોઈ ચિતપરિચિતને તમારી તકલીફ જણાવો, પરિચય વધારો, ફરવા જાઓ અને પોતાની જાતને વ્યસ્ત કરો. તમારે લોકોના વેગમાં ઉતરવું પડશે, કારણ કે આ સમસ્યાનું નિરાકરણ તમારા હાથમાં નથી. પહેલા લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા, ત્યારે આવા કોઈ પ્રોબ્લેમ નહોતા. જો કે સમય જતાં વિભક્ત કુટુંબ થયા અને પ્રોબ્લેમ્સ વધ્યા. હાલની સ્થિતિ તો એ છે કે લોકો પરણવા નથી માગતા. આ એકલતાને દૂર કરવા તમે કોઈ પાલતુ પ્રાણી પણ લાવી શકો છો, મિત્રતા પેટ સાથે પણ થઈ શકે છે. જો તમે મિત્રો કેળવો છો તો તમે નસીબદાર છો અને સારું જીવન જીવો છો. ફ્રેન્ડ્સ ઇઝ ઓલ્સો અ વેલ્થ ઇન ઓલ્ડ એજ. સગાંવહાલાં ક્યારેક કામ નથી આવતાં, તેમને કંઈને કંઈ લેનદેન હોય છે, પરંતુ મિત્રો પાસે આવાં કોઈ કારણો નથી હોતાં. તમે તેમને પસંદ કરી શકો છો, કારણ કે તેઓ સમાન વિચાર ધરાવતા હોય છે. જો આવી તકલીફ વધતી જણાય તો થેરાપિસ્ટ, સાઇકિયાટ્રિસ્ટ પાસે જાઓ, આ લક્ષણોને છુપાવો નહીં. તમે કોઈને કહી શકો છો કે મને યોગ્ય નથી જણાતું. હાલના સમયમાં આપણે આપણી જાતને ખોલી નથી શકતા, બધાને આપણે સુખી છીએ તેવું જ કહીએ છીએ પણ તેના કારણે ખૂબ સહન કરવું પડે છે. તેના બદલે કહો કે હા, હું દુઃખી છું.
• બહેનોએ બ્રેસ્ટ કેન્સરનો સામનો કરવો પડે તો શું કરવું?
ડો. જયશ્રીબહેન મહેતાએ બહેનો માટે ચિંતાજનક બ્રેસ્ટ કેન્સર અંગે કહ્યું કે, મહિલાઓએ સેલ્ફ એક્ઝામિનેશન કરવું ખૂબ જરૂરી છે. દર મહિનાના માસિક બાદ ચોથા કે પાંચમા દિવસે આ એક્ઝામિનેશન જરૂર કરો. જો મેનોપોઝમાં હો તો મહિનાની કોઈપણ એક તારીખે એક્ઝામિન કરો અને એમાં જો કોઈ ફરક લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો. અર્લી ડિટેક્શનથી બ્રેસ્ટ કેન્સર 100 ટકા મટાડી શકાય છે, ત્યાં સુધી કે સેકન્ડ કે થર્ડ સ્ટેજમાં પણ હવે તેનો ઇલાજ છે. બધું આધાર રાખે છે આ ડિસીઝ પ્રત્યે તમારા વલણ અને સમજ પર. આ સ્થિતિમાં મહિલાના પતિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, કારણ કે તે મહિલાને પીઠબળ આપવાની સાથે આર્થિક રીતે પણ ભાગ ભજવે છે.
અમે ઘણી ગરીબ મહિલાઓ માટે ફંડની વ્યવસ્થા પણ કરી છે અને આવી 400 મહિલાઓને લઈને અમે સર્વાઇવલ ગ્રૂપ બનાવ્યું છે. આ ગ્રૂપમાં મહિલાઓ પાસે તેમની સમસ્યાઓને લેખિતમાં લેવામાં આવે છે. મારા બનાવેલા ગ્રૂપમાં નવા આવનારી બ્રેન્સ કેન્સરથી પીડિત મહિલાને સર્વાઇવલ મહિલાઓ દ્વારા જ યોગ્ય માહિતી આપી તેને સાજા થવાની હિંમત આપે છે. જો આવી મહિલાઓને આત્મવિશ્વાસ આપવામાં આવે તો તેઓ ખરેખર સારી ફાઇટર સાબિત થાય છે.
• સ્ત્રીઓમાં કયા કયા વિટામિનની ખામી હોય છે, તેને કેવી રીતે પૂર્ણ કરી શકાય?
મહિલાઓમાં ખાસ કરીને હિમોગ્લોબિન, વિટામિન બી-12, કેલ્શિયમ અને વિટામિન-ડીની ખામી હોય છે. હાલની ફેશનેબલ ડાયેટ કરતાં આપણા વડવાઓ જે ખાતાં હતાં તે કુદરતી ડાયેટ વધારે યોગ્ય છે. મિલેટ્સ લો, આપણા વડવાઓ મિલેટ્સ જ ખાતા હતા. જો હું કાયમથી નાસ્તામાં ભાખરી કે રોટલી લઉં છું, તો મારે તે જ લેવી જોઈએ, જેથી મારું શરીર સારું રિસ્પોન્સ આપી શકે. વિટામિનની કમી એટલા માટે આવે છે, કારણ કે ફૂડ હેબિટમાં સમય અને રૂટિન ખૂબ ખરાબ હોય છે. ખાસ કરીને હોટેલનું અને બહારનું ફૂડ લેવાથી વધારે ડિસીઝ થાય છે, જેમ કે પેટમાં દુખાવો અને પથરી જેવા રોગો. બહારના ફૂડમાં નાખવામાં આવતી સામગ્રી ગમે તેવી હોઈ શકે છે, સ્વસ્થ રહેવું હોય તો આપણે આપણું ડાયેટ નક્કી કરવું જોઈએ અને રૂટિન સાચવવું પડે. તે ઉપરાંત કસરત, ચાલવું અને સ્નાયુનું સ્ટ્રેચિંગ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
ઉંમર વધતાં પોષણ ઓછું કરવું પડે છે. પહેલાં ચાર રોટલી ખાઈ શકાતી હતી, પરંતુ ઉંમર વધતાં તે ન ખાઈ શકાય. આ સ્થિતિમાં પહેલાં ત્રણ રોટલી કરો અને તેની સામે દાળ અને શાકનું પ્રમાણ વધારો. આમ બે રોટલી અને એક રોટલી સુધી પહોંચો, પરંતુ તેની સામે શાક અને દાળનું પ્રમાણ વધારવું જોઈએ. જેથી પ્રોટિન અને કાર્બોહાઇડ્રેટ તમને વધારે મળી શકે. આમ તમે લીલાં શાકભાજી ખાઓ તો કોઈ વિટામિનની જરૂર ન પડે.
• કોલેસ્ટ્રોલ બોર્ડર પર હોય તેને નીચે લાવવા શું કરવું?
બેનાબહેનના સવાલનો જવાબ આપતાં જયશ્રીબહેને જણાવ્યું કે, તેના માટે એક્સરસાઇઝ અને લો ફેટ ડાયેટ મસ્ટ છે. ડોક્ટરને પૂછો ટ્રાઇગ્લિસરાઇડ્સ કેટલું છે અને તેને નીચે લાવવાની દવા લો, કોલેસ્ટ્રોલ જાતે જ નીચે આવી જશે.
• ‘કયું લો ફેટ અને કયું હાઇ ફેટ કહેવાય?’ અને ‘શું સવારના નાસ્તામાં માત્ર ડાઇજેસ્ટિવ બિસ્કિટ લઈ શકાય?’
સી.બી. પટેલના સવાલોનો જવાબ આપતાં જયશ્રીબહેને જણાવ્યું કે, સવારના નાસ્તામાં બિસ્કિટ લેવાય, પરંતુ તે હાઇ કેલેરી કે મેંદાનાં ન હોવાં જોઈએ, લો કેલેરી બિસ્કિટ જરૂર લઈ શકાય છે. લો ફેટ એટલે કે આખો દિવસ તમે સુરતી શાક અને ભજિયાં ખાઓ તેમ નહીં, ઓછા તેલથી તમે શાક, ભજિયાં, પાપડ બનાવો, નમક પર નિયંત્રણ રાખો, જેથી તમારું બ્લડ પ્રેશર સારું રહે. એકદમ સાત્વિક ખોરાક ખાઓ તેમ નહીં, સ્વાદિષ્ટ ખોરાક ખાઓ પણ મસાલા થોડા લિમિટમાં લો - આ છે લો ફેટ ડાયેટ.
વિટામિન અંગે હું માનું છું કે, આપણા ખોરાકથી જ આપણે વિટામિનની ઉણપ ઓછી કરી શકીએ છીએ, તેના માટે તેની ગોળી લેવી જરૂરી નથી. શરીરમાં જેની જરૂરિયાત હોય તે તમે કરો. માનો કે તમારા શરીરમાં હિમોગ્લોબિન ઓછું છે અને તમને એનિમિયા થયો તો આયર્ન લો. ગમે ત્યારે વિટામિનની ગોળી કે ઇન્જેક્શન લો એ યોગ્ય નથી, પહેલાં જુઓ અને ઓછું હોય તો જ તે લો. શરીરમાં વધારે વિટામિન હોવાના પણ નુકસાન છે. અને હા બ્રેકફાસ્ટ લેવો જ જોઈએ, કારણ કે આખી રાત તમારું પેટ ખાલી રહ્યું છે. તમારું મેટાબોલિઝમ સ્ટિમ્યુલેટ કરવું હોય તો બ્રેકફાસ્ટ જરૂરી છે. એટલે જ અમે બાળકોને કહીએ છીએ કે ખાલી પેટે આવવું નહીં, નહીં તો તમને ઇન્ફેક્શન થઈ શકે છે. તેથી હેવી બ્રેકફાસ્ટ તમામ સવાલોનો જવાબ છે, પછી ભલે તમે અગિયાર વાગ્યે એક-બે બિસ્કિટ લો અને લન્ચ લાઇટ લો. પછી વહેલું ડીનર લઈ લો. આ યોગ્ય રસ્તો છે. રાતના જમણ અને સૂવા વચ્ચે ત્રણ કલાકનો સમય રહેવો જરૂરી છે, તો જ તમને રિફ્લેક્સ ન આવે અને પાંચન યોગ્ય થાય. લાઇફમાં હેલ્થ માટે રૂટિન ખૂબ જરૂરી છે.
• આપણા જીવનમાં ઊંઘ અને કસરતનું કેટલું મહત્ત્વ છે?
જયશ્રીબહેને જણાવ્યું કે, આપણા જીવનમાં ઊંઘનું પ્રદાન ખૂબ મોટું છે. કમસેકમ 6થી 7 કલાક સૂવું જોઈએ, સારી ઊંઘ એ સારા સ્વાસ્થ્યની નિશાની છે. આ સાથે કસરત પણ જરૂરી છે, કારણ કે મસલ્સને તમે એક્ટિવ નહીં રાખો તો તે વેસ્ટ જશે. મસલ્સને એક્ટિવ રહેતાં બ્લડ સર્ક્યુલેશન એક્ટિવ રહે છે અને તેનાથી તમારી ઇમ્યુનિટી સારી રહે.
આ કારણે બ્રેઇનમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે તો ડિમેન્શિયા અને લોનલીનેસ સહિતના તમામ પ્રોબ્લેમ્સ ઓછા થાય. તેથી લોકોએ સમજવું જોઈએ કે ‘ચિંતા ચિતા સમાન’ છે. લોકોને ચિંતા કરવાની આદત પડી ગઈ છે.
• શરીરમાં મસલ્સ પાવર કેવી રીતે વધારવો જોઈએ?
જયશ્રીબહેને જવાબ આપ્યો કે, એક્સરસાઇઝ દ્વારા જ મસલ્સ પાવર વધી શકે છે. એકસાથે કસરત કરવાથી દુઃખશે, પરંતુ પહેલા અઠવાડિયે એક અને બીજા અઠવાડિયે ચાર એમ સમયાંતરે કેપેસિટી વધારતા જાઓ. આમ દિવસે દિવસે તમારો મસલ્સ પાવર વધતો જશે. જેટલા એક્ટિવ રહીશું તેટલી તબિયત સારી રહેશે.
• મહેશભાઈ લીલોરીયાએ જયશ્રીબહેનને સવાલ કર્યો કે, ‘નોકરી અને અન્ય કોઈ કારણસર સમયસર ભોજન લઈ શકાતો નથી, શું તેના માટે કોઈ આયોજન થઈ શકે છે?’
જેના જવાબમાં જયશ્રીબહેને જણાવ્યું કે, એવું બને કે જમવા માટે સમય નથી મળતો, તેવી સ્થિતિમાં એવું કંઈ ખાઈ લેવું જોઈએ, જે તેના ખિસ્સામાં લઈ તે ફરી શકે. દાખલા તરીકે સૂકોમેવો, જેનાથી એનર્જી મળી રહે. રસ્તા કરવા હોય તો ઘણા કરી શકાય છે. જો કોઈ કહે કે સમય નથી, તો તે વાત બિલકુલ અયોગ્ય છે. તમારી ઇચ્છા હોય તો જમવા માટે પાંચ મિનિટ કે દસ મિનિટ સમય નીકળી જ શકે. પેટને સમયસર તેનો ખોરાક મળવો જ જોઈએ. હા, ઉપવાસ કરવો અયોગ્ય નથી, કારણ કે પેટને પણ આરામ આપવો જરૂરી છે, પરંતુ લિક્વિડ લેવું જોઈએ જેથી ડિહાઇડ્રેેશન ન થાય.
• ‘શું જમ્યા પહેલાં ફ્રૂટ ખાવું જોઈએ?’, ‘એવો કયો ખોરાક છે, જેનાથી વિટામિન-ડી મળી રહે?’
આ અંગે જયશ્રીબહેને જણાવ્યું કે, જો તમારું વજન વધારે હોય તો જમ્યા પહેલાં ફ્રૂટ ખાવું જોઈએ, જેથી જમવાનું ઓછું ખવાય. જો તમે ફિટ છો તો જમ્યા બાદ થોડા સમયના અંતરે ફ્રૂટ ખાવું જોઈએ. જો કે સાઇટ્રસ ફ્રૂટ જેમ કે સંતરા અથવા દ્રાક્ષ જેવું ફ્રૂટ ઓછું લેવું જોઈએ. પપૈયું, કેળાં અને સફરજન જેવાં ફળ વધારે યોગ્ય છે. વિટામિન-ડીની વાત કરીએ તો તેની ગોળીઓ મળી રહે છે, હા સનલાઇટ ઓછા હોય તેવાં સ્થળોએ આ તકલીફ થતી જ હોય છે. ખાસ કરીને દૂધમાં કેલ્શિયમ અને વિટામિન-ડી દૂધ અને દહીંથી પણ મળી રહે છે.
• આર્થરાઇટિસમાં દહીં ખાઈ શકાય?
જયશ્રીબહેને જણાવ્યું કે, આ મિથ્યા છે. આર્થરાઇટિસને અને તેને કંઈ લેવાદેવા નથી. આ તમારી તાસીર પર અને આપણને મળેલા જિન્સ પર નિર્ભર છે. કુટુંબમાં કોઈને થયો હોય તો તમને થવાનો. આ અંગે એક્સરસાઇઝ અને ફિઝિયોથેરપી અક્સીર સાબિત થાય છે.
• અમે ફેટ ફ્રી ફેટ ફ્રી મિલ્ક અને યોગર્ટ લઈએ છીએ, શું તે યોગ્ય છે કે નહીં?
આ અંગે જયશ્રીબહેને જણાવ્યું કે, તે સારું છે, પરંતુ તેમાં પણ પોષક તત્ત્વો તો હશે જ ને. જો કે થોડું ફેટ પણ જરૂરી છે, કારણ કે અમુક વિટામિન્સ ફેટમાં જ ઓગળે છે અને તેમાં જ એબ્ઝોર્વ થાય છે. આપણા વડવાઓ ઘી ખાવાનું કહેતા તે ખોટું નહોતું. ડાયાબિટીસના પેશન્ટે દાળમાં એક ચમચી ઘી નાખીને દાળ-ભાત આરોગવા જોઈએ.
• જમવા સાથે ગોળ ખાવો જોઈએ કે નહીં?
ખાંડ કરતાં ગોળ ખાવો ખૂબ સારું છે. હું પોતે ગોળવાળી ચા પીવું છું. ગોળમાં મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, તે સુગર કરતાં 100 ગણો વધુ સારો છે. ખાંડમાં કેલેરી સિવાય કંઈ નથી.
• ડાયાબિટીસવાળા ગોળ ખાઈ શકે?
હા, ડાયાબિટીસવાળા પણ ગોળ ખાઈ શકે. હા, પણ તેમણે બધું થોડું થોડું લેવું જોઈએ.
• ડાયાબિટીસમાં મધ લઈ શકાય? અને કિડનીની તકલીફમાં કેળું કેમ ન લેવાય?
ડાયાબિટીસમાં મધ ચોક્કસ લઈ શકાય. કિડનીમાં કયા પ્રકારનો પ્રોબ્લેમ છે, તેના પર આધાર રાખે છે કે કેળું લઈ શકાય કે નહીં.
જયશ્રીબહેન મહેતા દ્વારા સ્વાસ્થ્યને લગતા તમામ સંતોષકારક જવાબ આપ્યા બાદ ગુજરાત સમાચારના ન્યૂઝ એડિટર અચ્યુતભાઈ સંઘવી દ્વારા દેશવિદેશના સમાચારનું વિવરણ કરવામાં આવ્યું.
મહેશભાઈ લીલોરીયાએ આભારવિધિ કરતાં કહ્યું કે, આજની સોનેરી સંગત ખૂબ વિશિષ્ટ બની ગઈ. આજે પ્રથમ વખત આપણે બધા આપણી જાતને ઓળખતા થયા છીએ, આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવતાં જયશ્રીબહેન મહેતા દ્વારા ખૂબ માર્ગદર્શન અપાયું. આ સિવાય તેમના દ્વારા વૃદ્ધત્વને લગતા, એકલતાને લગતા અનેક પાસાં ઉજાગર કરી તે અંગે શું કરવું જોઈએ તેના પર પણ પ્રકાશ પાડ્યો. લોકોને પ્રેરણા આપવા બદલ આપનો ખૂબખૂબ આભાર.
આવતા અઠવાડિયે ગુરુવારે 2 મેએ સોનેરી સંગતમાં યુકે અને ભારતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પધારશે અને ગુજરાત દિન, મહારાષ્ટ્ર દિનની ઉજવણી અને વર્તમાન લોકસભા ચૂંટણી અંગે ગહન ચર્ચા થશે. જેમાં ગુજરાતના ચૂંટણી પ્રવાસે છે તેવા યુકે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના કન્વીનર દીપક પટેલ, સ્નેહલ મહેતા, વિનુભાઈ સંચાણિયા, પી.કે. લહેરી જેવા દિગ્ગજ લોકો પધારશે અને ચર્ચામાં ભાગ લેશે. જે બાદના અઠવાડિયે ગુરુવારે 9 મેએ અલ્પેશ પટેલ OBE સોનેરી સંગતમાં જોડાશે અને રિટાયર્મેન્ટ બાદની બચત, કરિયર ડેવલપમેન્ટ અને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરી શકાય તે અંગે આપણને જણાવશે. તે બાદના અઠવાડિયે ગુરુવારે 16 મેએ કાંતિભાઈ નાગડા MBE સંગત સેન્ટરના સીઈઓ ઇમિગ્રેશન વિશે ખાસ સલાહ આપશે. 23 મે ગુરુવારે નીતિનભાઈ મહેતા યંગ ઇન્ડિયન વેજિટેરિયન અને તેમના યોગદાન બદલ વ્યાખ્યાન આપશે અને ચર્ચા કરશે. મે મહિનાના છેલ્લા ગુરુવારે એટલે કે 30 મેએ સી.બી. પટેલ સ્થાનાંતરણ કથા કહેશે.


comments powered by Disqus