મોદી અર્થહીન વાત કરે છે, ઉંમર વધી રહી છેઃ પ્રિયંકા ગાંધી

Wednesday 01st May 2024 05:28 EDT
 
 

ગાંધીનગરઃ વલસાડના ધરમપુર ખાતે આદિવાસી વિસ્તારોમાં પ્રચાર રેલી કરવા આવેલાં કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ ધોમધખતા તાપ અને ગરમીમાં આવેલા લોકોનો આભાર વ્યક્ત કરતાં પ્રવચન શરૂ કર્યું. તેમની રાજકીય કારકિર્દી દરમિયાન પ્રથમવાર ગુજરાત આવેલાં પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવા અંકલ સાથે સરખાવ્યા, જે દરેક બાબતમાં સલાહ આપે છે. પ્રિયંકાએ તેમ પણ કહી દીધું કે તેઓ અર્થહીન વાતો કરે છે, કારણ કે તેમની ઉંમર વધી ગઈ છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, દરેક જગ્યાએ એક અંકલજી હોય છે. જે દરબાર લગાવીને દરેકને જ્ઞાન આપતા રહે છે. આપણા દેશમાં પણ એક અંકલજી કહે છે કે, સાવધાન રહો. જો કોંગ્રેસની સરકાર આવશે તો તે તમારાં ઘરેણાં અને મંગળસૂત્ર તમારા ઘરમાં ઘૂસીને બીજાને આપી દેશે. તો આ બધું સાંભળીને તમને હસવું આવ્યું હશે, કારણ કે આ અંકલ અર્થહીન વાતો કરી રહ્યા છે. આ અંકલજીની વાત માનશો નહીં. તેઓ વિચારે છે કે પોતે વડાપ્રધાન છે એટલે લોકો તેમની આવી વાત સાચી માની લેશે. મોદીજી શું વાહિયાત વાત કરો છો. હવે તમારી ઉંમર વર્તાય છે.
દેશની સંપત્તિ આપવા અંગે તેમણે કટાક્ષમાં કહ્યું કે, ખેડૂતોનાં દેવાં આ સરકાર માફ કરતી નથી પણ માનીતા ઉદ્યોગપતિઓના રૂ. 16 લાખ કરોડ માફ કરી દીધા. તેઓએ અમારા પરિવાર સાથે ખૂબ દુર્વ્યવહાર કર્યો, ગાળો આપી પણ તેની અમને પરવા નથી.


comments powered by Disqus