સુરતઃ અડાજણ વિસ્તારમાં શનિવારે એક જ્વેલરી શોરૂમના ઉદ્ઘાટન માટે આવેલા અભિનેતા રણબીર કપૂરના કાર્યક્રમમાં પડાપડી થઈ હતી. ભારે અફરાતફરી સર્જાતાં મહિલાઓ અને બાળકો સહિત અનેક કચડાયાં હતાં. આ જોઈ કોઈ અપ્રિય ઘટના બને તે પહેલાં જ રણબીર કપૂર પર્ફોર્મન્સ આપ્યા વિના જ એરપોર્ટ પહોંચી રવાના થઈ ગયા હતો.
શહેરના અડાજણ વિસ્તારમાં જાણીતી જ્વેલરી બ્રાન્ડના યુનિવર્સલ ટ્રેડ સેન્ટર ખાતે શો-રૂમના ઉદ્ઘાટન માટે અભિનેતા રણબીર કપૂર સુરત આવ્યો હતો. શનિવારે સાંજે આ શો-રૂમની બહાર સ્ટેજ પર અભિનેતા રણબીર કપૂરના પબ્લિક પર્ફોર્મન્સનો એક નાનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. જેને જોવા રોડ પર પાંચેક હજાર માણસોનું ટોળું એકત્ર થયું હતું.