ગુજરાત સમાચારનો ઝૂમ કાર્યક્રમ દર ગુરુવારે તેના અવનવા વિષયો લઈને આપની સમક્ષ રજૂ થાય છે, ત્યારે 18 એપ્રિલે ગુરુવારે રામનવમી, સ્વામિનારાયણ જયંતી અને મહાવીર જયંતી નિમિત્તે ‘સોનેરી સંગત’માં ધર્મની ધુરાની ચર્ચાનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
ગ્રૂપ એડિટર મહેશભાઈ લીલોરીયાએ જણાવ્યું કે, રામનવમીનો દિવસ અમારા માટે અન્ય એક પ્રસંગ માટે પણ યાદગાર છે. 9 એપ્રિલ 1976ના રામનવમીના દિવસે જ સી.બી. પટેલે તેમના પત્રકારત્વની સફરનાં મંડાણ કર્યાં હતાં. વહીવટ લીધા બાદના પ્રથમ અંકમાં તેમણે નિવેદન આપ્યું હતું કે, ‘અમારા વહીવટ હેઠળનો પ્રથમ અંક આપસૌના હાથમાં મૂકતાં અમને આનંદ થાય છે’. જે અંતર્ગત આખી રામસ્તુતિ અંદર મૂકવામાં આવી હતી. આમ રામનવમીના દિવસથી જ સી.બી. પટેલના હસ્તે ગુજરાત સમાચારનું સારું કામ શરૂ થયું હતું અને તેમાં પણ વિશેષ તે દિવસે સી.બી. પટેલનો જન્મદિવસ પણ હતો.
રામનવમી અને રઘુકુળની ચર્ચા માટે વિશેષ આમંત્રિત લોહાણા સમાજ નોર્થ લંડનનાં પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીને જણાવ્યું કે, અમારી લોહાણા કોમ્યુનિટી માટે રામનવમીનું ખૂબ મહત્ત્વ છે, અમે આખા વર્ષમાં ધાર્મિક અને અન્ય કાર્યક્રમ કરીએ છીએ. જેમાં રામનવમી, શિવરાત્રી, હનુમાન જયંતી, જન્માષ્ટમી, જલારામ જયંતી, શરદ પૂનમ અને નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, આ વખતની ઉજવણી રામમંદિર નિર્માણ બાદ પ્રથમ હતી. અમારી ઉજવણીમાં આશરે 650થી વધુ લોકોએ ભાગ લીધો હતો. રામનવમી નિમિત્તે નિકેશભાઈ પરમાર, રાજવીબહેન રાજાએ ભજનનો રંગ જમાવ્યો હતો. અમારા ખાસ યજમાન પ્રકાશભાઈ, રાજુભાઈ, ભરતભાઈ અને સંજયભાઈ અને ઠકરાર પરિવાર હતા, જેમણે તન-મન-ધનથી મહેનત કરી રામનવમીનો ઉત્સવ સફળ બનાવ્યો હતો.
આ નિમિત્તે હેરોના મેયર રામજી ચૌહાણ, કાઉન્સિલર અંજનાબહેન પટેલ, કોમ્યુનિટીના મેમ્બર અને અન્ય આમંત્રિતોએ હાજરી આપી હતી. રામનવમી પ્રસંગે અમારી કમિટીનાં પ્રફુલ્લાબહેન અને મહેશ્વરીબહેન દ્વારા સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. યંગ લોહાણાના ચેરપર્સન તુલસી તન્ના, પાસ્ટ ચેરપર્સન મીરાં મજિઠિયા અને તેમની ટીમ પણ હાજર થઈ હઈ હતી. અમારા સેક્રેટરી, આસિસ્ટન્ટ સેક્રેટરી અમિતભાઈ અને સંજયભાઈ ઉપરાંત દિનેશભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ, કમિટી મેમ્બર્સ ધીરુભાઈ, રજનીભાઈ, રિશીભાઈ, પ્રતાપભાઈ અને વિનુભાઈની ટીમ પણ હાજર રહી હતી. આ પળ હંમેશાં યાદગાર રહેશે, કારણ કે અમારા ફોટોગ્રાફર ભૂપેન્દ્રભાઈ જેઠવાએ ખૂબ ફોટો અને વીડિયો કેપ્ચર કર્યાં છે.
વિજયભાઈ શેઠે કાર્યક્રમમાં હાજર તમામ લોકોને વંદન કરી ભગવાન શ્રીરામ, ભગવાન સ્વામિનારાયણ અને મહાવીર સ્વામીને વંદન કર્યાં હતાં. તેમણે કહ્યું કે, નમન છે તે માતાને, જેમની કૂખે આવી મહાન વિભૂતિઓએ જન્મ લીધો હતો. શ્રીરામ અને સ્વામિનારાયણ ધર્મ તો ઉજ્જવળ બન્યો જ છે, તે જ રીતે અહિંસાના ઉપદેશો 2623 વર્ષ પહેલાં મહાવીર સ્વામીના સમયમાં અપાયા હતા તેની વાત કરું છું. નાનામાં નાના જીવને પણ કેટલું અભય દાન મળેલું છે તેનું દૃશ્ય ખડું કરતાં તેમણે ‘2600 વર્ષો પૂર્વે એક પૂંજ પ્રકાશ તણો પ્રગટ્યો..’. અને ‘ઘર-ઘરમાં આનંદ છવાયો’ ગાઈને જન્મકલ્યાણક નિમિત્તે ભક્તિમત માહોલ ઊભો કર્યો હતો.
નીરજભાઈ સુતરિયા બાદ અનેક પુસ્તકોના લેખક, પત્રકાર અને પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈએ ગુજરાત સમાચાર માટે આપેલો વીડિયો સંદેશ દર્શાવાયો હતો. જેમાં કુમારપાળભાઈએ જણાવ્યું કે, વિશ્વને ઉગારવા માટે પ્રભુ મહાવીરનો સંદેશ સૌથી વધુ કારગત્ છે. તીર્થકંરનો જન્મ સમગ્ર જગતમાં અજવાળું પાથરે છે. ઇ.સ. પૂર્વે 547ની ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની તેરસની મધ્યરાત્રે ભગવાન મહાવીરનો જન્મ થયો. એ સમયે સ્વર્ગના શોખીન એવા થોડા માણસોએ પૃથ્વી પરના વિશાળ જનસમાજ માટે નરક ખડું કરી દીધું હતું. એ સમયે જ્ઞાન મુઠ્ઠીભર લોકોના હાથમાં હતું અને સ્ત્રીઓને પરિગ્રહસમાન સંઘરવાની ચીજ માનવામાં આવતું હતું. ભગવાન મહાવીરે સ્ત્રીને સ્વતંત્રતા બક્ષવા માટે બે મહાન સુધારા કર્યા - વ્રતમાં બ્રહ્મચર્યને સ્થાન આપ્યું અને સ્ત્રી દીક્ષિત થાય તો તે સર્વ બંધનોથી મુક્ત બને છે. આમ તેમણે નારીને અધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડવા દીવાદાંડી બતાવી. પોતાના સાડાબાર વર્ષના સાધનાકાળ દરમિયાન 4515 દિવસ પૈકી 4166 દિવસ તેમણે નિર્જળ તપશ્ચર્યા કરી. દિગંબર બની હજારો માઇલ ચાલતા રહ્યા અને તેમણે આત્માનું બળ વિશ્વને બતાવ્યું. તેમણે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સંઘ સ્થાપ્યો, તેને તીર્થ કહેવાય છે. જેથી તેઓ તીર્થંકર કહેવાયા. તેમના બાદ કોઈ તીર્થંકર ન થયું હોવાથી તે ચરમ તીર્થંકર કહેવાય.
ભગવાને આત્મકલ્યાણ સાધવા અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એમ પાંચ મહાવ્રતની વાત કરી. જગત હિંસાના શિખરે બેઠું છે, ત્યારે મહાવીર સ્વામીના સિદ્ધાંતોની સૌથી વધુ જરૂર અત્યારે છે. ભગવાન મહાવીરની અહિંસાની આ કુંચી મહાત્મા ગાંધીને મળી, અને તેમણે તે અહિંસાની તાકાત બતાવી આપી. જૈનધર્મની આહાર સંબંધી વિચારધારા આયંબિલનો આજે ડોક્ટર્સ પણ મહિમા ગાય છે.
પરેશભાઈ રુઘાણીએ ભગવાન સ્વામિનારાયણની 243મી પ્રાગટ્ય જયંતી અંગે જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણનો જન્મ 1781માં થયો હતો અને નાનપણનું નામ ઘનશ્યામ હતું. ધર્મદેવ અને ભક્તિમાતાના સંતાન ભગવાન સ્વામિનારાયણ કાયમ કહેતા હતા કે જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં સદાય મારું અસ્તિત્વ છે. દંભથી તેઓ સદાય દૂર રહેતા, તેઓ માનતા હતા કે પોતે હસો અને અન્યને પણ આનંદ અપાવી હસાવો. ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ કે જેઓ સી.બી. પટેલના પણ મેન્ટોર હતા. તેઓ કહેતા કે, જો આપણે ખુશ રહેવું છે, તો અન્યને પણ ખુશ રાખો. આપણા માટે ભલે ઓછું કરો, પરંતુ લોકકલ્યાણ અને લોકોની ખુશી માટે વધારે કાર્ય કરો. અભિમાન મૃત્યુ સમાન છે અને અભિમાનનું મૃત્યુ એ જીવન છે. થોડા સમય પહેલાં ઓક્સફર્ડની બોડલિયન લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. આ લાઇબ્રેરીમાં તત્કાલીન મુંબઈ ગવર્નર સર જ્હોન માલ્કમે આપેલું એક પુસ્તક સચવાયેલું છે. આ પુસ્તક એ શિક્ષાપત્રી હતી જે ભગવાન સ્વામિનારાયણ દ્વારા તેમને આપવામાં આવી હતી. આ શિક્ષાપત્રીમાં સ્ત્રી સશક્તિકરણથી લઈને તેમના ઉપદેશો આપેલા છે, ઉપરાંત તે સમયે બાળકીઓને દૂધપીતી કરવા, સતિપ્રથા, તેમણે સ્થાપેલાં 6 મંદિર અંગે વર્ણવવામાં આવ્યું છે. તેઓ ભગવાન તરીકે તેમની મનાતા હોવા છતાં તેઓ નમ્ર થયા અને પોતાના માટે એક ગુરુની જરૂર હોવાનું જણાયું. આમ તેમણે રામાનંદ સ્વામીને ગુરુ માન્યા.
પરેશભાઈ રુઘાણીએ ભગવાન સ્વામિનારાયણની જયંતી અને અબુધાબી મંદિર અંગે પ્રકાશ પાડ્યા બાદ ગુજરાત સમાચારના બ્યૂરો ચીફ નિલેશભાઈ પરમાર દ્વારા સમગ્ર વિશ્વના સમાચારો પર પ્રકાશ પાડ્યો હતો.
ગુજરાત સમાચારની યુકે ઓફિસના સાથીદાર આશાબહેન પટેલે સોનેરી સંગતના ઝૂમ કાર્યક્રમને ધાર્મિક સંગત ગણાવી કાર્યક્રમમાં મનુષ્યના કર્મ અને ધર્મ પર પ્રકાશ પાડવા સમાવિષ્ટ તમામ વિશેષ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.