વડોદરાઃ દેશના મોસ્ટ વોન્ટેડ આરોપી અને અમેરિકા દ્વારા આતંકવાદી તરીકે જાહેર કરાયેલા દાઉદ હસન શેખ ઇબ્રાહિમને વડોદરાની નીચલી અદાલતે 41 વર્ષ બાદ ફાયરિંગ કેસમાં 8 ડિસેમ્બર, 2023ના રોજ નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો છે. આટલો મોટો કેસ હોવા છતાં સામાન્ય ગુનેગારની જેમ નિકાલ કરાયેલા આ મામલાને લઈને હવે શહેરના જાગૃત નાગરિકે ગૃહ વિભાગ, કાયદા વિભાગ, પ્રોસિક્યુશન વિભાગ અને શહેર પોલીસને ફેરતપાસ કરવા માગ કરી છે.
આ હાઇપ્રોફાઈલ કેસની વિગત એવી છે કે 11 જૂન 1983ના રોજ મકરપુરા પોલીસ મથકની હદમાં જામ્બુઆ જીઈબી સબસ્ટેશન પાસેથી પસાર થતી હોન્ડા કારમાં પરવાના વગરની રિવોલ્વરથી હાજી ઈસ્માઇલથી આકસ્મિક ગોળી છૂટી હતી. જેમાં ખુદ હાજી ઈસ્માઈલને ડાબા હાથ પર અને દાઉદ હસન ઈબ્રાહિમને ગળાના ભાગે ઈજા થઈ હતી. જે બાદ સારવાર માટે તેમને સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ઘટનાના પગલે મકરપુરા પોલીસમથકમાં કારમાં સવારે 4 શખ્સો સામે ગુનો નોંધાયો હતો, જેમાં દાઉદ હસન શેખ ઇબ્રાહિમ, હાજી ઇસ્માઇલ સુબણિયા, અલી અબ્દુલ્લા અંતુલે, ઇબ્રાહિમ મહંમદભાઈ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25-1 તથા બીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હતો. જેના ફરિયાદી તે સમયના મકરપુરા પોલીસમથકના પીઆઈ ઝાલા હતા. સારવાર લઈ રહેલા અને અન્ય આરોપીઓની પૂછપરછ કરાઈ હતી.